શાહરુખ ખાનની આવનારી ફિલ્મમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં જાણીતા બ્રિટિશ પોપ ગાયક એડ શીરનું ગીત પણ સાંભળવા મળશે. આ ઉપરાંત શાહરૂખ સાથે તેની દીકરી સુહાના ખાન પણ જોવા મળશે. જાણીતા બ્રિટિશ ગાયકે તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ અંગે પરોક્ષ રીતે પુષ્ટિ કરી છે કે તેણે શાહરુખની નવી ફિલ્મ ‘કિંગ’ માટે એક હિન્દી ગીત રેકોર્ડ કર્યું છે.
ભારતમાં પોતાના કન્સર્ટ અને ભારત પ્રત્યેના પ્રેમ માટે જાણીતા એડ શીરને ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, તેણે એક હિન્દી ગીત રેકોર્ડ કર્યું છે. આ ગીત શાહરૂખ ખાનની ફિલ્મનો એક ભાગ છે અને આ ગીત પંજાબી વર્ઝનમાં ‘સેફાયર’ નામના ગીત પર આધારિત છે, જેમાં અરિજિત સિંહ પણ સામેલ છે. આ વાત જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. તાજેતરમાં, આ બંને ગાયકો ભારતમાં સાથે ફરતા જોવા મળ્યા હતા ત્યારબાદ એવી અટકળો ચાલી રહી હતી કે બંને એક ખાસ સંગીત પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
શાહરુખ ખાનની ‘કિંગ’ ફિલ્મ પહેલેથી જ મેગા બજેટમાં અને મોટાપાયે બની રહી છે. તેનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે, જેમણે અગાઉ ‘પઠાણ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ખૂબ જ મજબૂત છે, જેમાં સુહાના ખાન ઉપરાંત, દીપિકા પદુકોણ, અભિષેક બચ્ચન, રાણી મુખરજી, અનિલ કપૂર, અર્જુન વર્ષી, જેકી શ્રોફ અને રાઘવ જુયાલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને 2026માં રિલીઝ કરવાનું આયોજન છે.
શાહરુખ ખાને હંમેશા પોતાની ફિલ્મોમાં નવી અને આંતરરાષ્ટ્રીય સંગીત પ્રતિભાનો સમાવેશ કર્યો છે. ‘ચક દે ઈન્ડિયા’માં શંકર-એહસાન-લોયની જોડી હોય કે ‘પઠાણ’માં વિશાલ-શેખરની સુપરહિટ ધૂન હોય, શાહરુખની સંગીત અંગેની સમજ હંમેશા અલગ અને આકર્ષક રહી છે. આવી સ્થિતિમાં, એડ શીરન જેવા ઇન્ટરનેશનલ સ્ટારનું આ પ્રોજેક્ટ સાથે જોડાણ ફિલ્મની ભવ્યતામાં વધુ વધારો કરે છે.
