Meeting with Sunak led to
ફાઇલ ફોટો (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિટશના વડાપ્રધાન ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ સમૃદ્ધ દ્વિપક્ષીય ભાગીદારી તથા ઐતિહાસિક અને સર્વગ્રાહી  મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) માટેની વાટાઘાટોમાં થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દા અંગે પણ મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું હતું તથા હોળીના આગામી તહેવારની શુભેચ્છાઓની આપ-લે કરી હતી.

મોદીએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અમે દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા તથા પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારના વહેલા નિષ્કર્ષ માટે કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાને ફરી પુષ્ટિ આપી હતી.

સુનકના કાર્યાલયના જણાવ્યા અનુસાર બંને નેતાઓ નજીકના સંપર્કમાં રહેવા માટે સંમત થયા હતા, કારણ કે બંને નેતાઓને FTA વાટાઘાટોમાં વધુ પ્રગતિની અપેક્ષા છે. બંને દેશો વચ્ચેની એફટીએ માટે 14મા રાઉન્ડની વાટાઘાટો ચાલે છે. બંને નેતાઓએ ભારત અને બ્રિટન વચ્ચેની વિકસિત ભાગીદારી તથા એફટીએ મંત્રણામાં તાજેતરની પ્રગતિની ચર્ચાવિચારણા કરી હતી.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે “તેઓ એક એવી ઐતિહાસિક અને સર્વગ્રાહી સમજૂતી કરવાના મહત્વ પર સંમત થયા હતા, જે બંને દેશો માટે લાભદાયી હોય. વડાપ્રધાને ગૂડ્સ એન્ડ સર્વિસિસ પર મહત્વાકાંક્ષી પરિણામ સુધી પહોંચવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો. તેઓ સતત સંપર્કમાં રહેવા માટે સંમત થયા હતાં અને વેપાર વાટાઘાટો પર વધુ પ્રગતિ માટે આતુર છે.

નવી દિલ્હીના નિવેદનમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે બંને નેતાઓએ “રોડમેપ 2030” હેઠળ વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, ઉભરતી ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દા અંગે પણ મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું હતું તથા હોળીના આગામી તહેવારની શુભેચ્છાઓની આપ-લે કરી હતી.

LEAVE A REPLY

fifteen + sixteen =