મુંબઈના પ્રભાવદેવીમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર

મહારાષ્ટ્રમાં દોઢ વર્ષ પછી સાત ઓક્ટોબરે એટલે કે નવરાત્રીના પ્રથમ દિવસથી ધાર્મિક સ્થળો ફરી ખૂલ્યા હતા. કેટલાંક પ્રખ્યાત મંદિરોમાં લોકોની ભીડ અટકાવવા માટે ઓનલાઇન બુકિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.

કોરોના મહામારીને પગલે માર્ચ 2020ના અંતમાં બંધ કરી દેવાયેલું મુંબઈનું જગવિખ્યાત સિદ્ધિ વિનાયક મંદિર ફરી ભક્તો માટે ખૂલ્લું મૂકાયું હતું. શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર 7 ઓક્ટોબરથી મંદિરને ખોલવામાં આવશે. ટ્રસ્ટના પ્રમુખ અદેશ બાંડેકરના જણાવ્યા અનુસાર, ભક્તોને માત્ર એડવાન્સ બુકિંગના આધારે જ પ્રવેશ અપાશે.આ સિવાય ભક્તોને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. મંદિરે આવનારા દર્શનાર્થીઓનું ટેમ્પ્રેચર લીધા બાદ જ એન્ટ્રી આપવામાં આવશે.

શિરડી સ્થિત સાંઈબાબાનું ધામ પણ 7 ઓક્ટોબરથી ખૂલ્યું હતું. જેમાં દર્શન માટે ઓનલાઈન બુકિંગ કરાવી પાસ મેળવવાનો રહેશે. એક દિવસમાં 15,000 ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. શનિ શિંગળાપુર પણ ખૂલ્યું હતું. જ્યાં એક દિવસમાં 20,000 ભક્તોને પ્રવેશ અપાશે.