Getty Images)

વર્લ્ડ નંબર વન સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચ અને તેની પત્ની યેલેનાને કોરોના મહામારીનો ચેપ લાગ્યો છે. યોકોવિચે જ કોરોના મહામારી છતાં કેટલાક સાથી ખેલાડીઓની જોડે મળીને ચેરિટી ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતુ, જેમાં કોરોનાને લગતી સાવચેતીના પગલાંની ઘોર ઉપેક્ષા કરવામાં આવી હતી અને તેના પગલે ડિમિટ્રોવ અને કોરિક જેવા ખેલાડીઓ બાદ હવે ખુદ યોકોવિચને ચેપ લાગ્યો છે.

યોકોવિચ અને તેની પત્ની યેલેના 14 દિવસ માટે ક્વોરન્ટાઈન થયા છે. તેમના બાળકોનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવતાં યોકોવિચ-યેલેનાએ રાહત અનુભવી હતી. યોકોવિચની ચેરિટી ટેનિસ ટુર્નામેન્ટમાં સામેલ કુલ છ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે, જેમાં ત્રણ ટેનિસ સ્ટાર્સની સાથે બે ટ્રેનર્સ પણ સામેલ છે.

સર્બિયન ટેનિસ સ્ટાર વિક્ટર ટ્રોઈસ્કી અને તેની ગર્ભવતી પત્નીને પણ મહામારી બની ચુકેલા કોરોના સંક્રમણનો ચેપ લાગ્યો છે. ટોચના ટેનિસ સિતારાએ સર્બિયા અને ક્રોએશિયામાં પોતાની રીતે ખાનગી ચેરિટી ટુર્નામેન્ટની સિરીઝ યોજવાની શરૂઆત કરી હતી, જેને એડરિયા ટુર નામ આપવામાં આવ્યું હતુ. જોકે, તેની ટુરના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ચેપ લાગવાની શરૂઆત થતાં ટેનિસ જગતમાં યોકોવિચની ઉગ્ર ટીકા થઈ હતી.

જર્મનીના ઝ્વેરેવ અને ઓસ્ટ્રીયાના ડોમિનીક થિયમ જેવા ખેલાડીઓ પણ યોકોવિચની ચેરિટી ટુરમાં સામેલ હતા. જેમાં ખેલાડીઓ માસ્ક વિના એકબીજાને ભેટતા અને ખુબ જ નજીકથી વાતચીત કરતાં જોવા મળ્યા હતા. જોકે હવે તેણે ટુરને રદ કરી દીધી છે. તે હવે પાંચ દિવસ બાદ ફરી કોરોનાનો ટેસ્ટ કરાવશે.આ ઉપરાંત તેણે તેની ટુર્નામેન્ટના કારણે કોઈને કોરોનાનો ચેપ લાગ્યો હોય તો તેમની માફી માગી હતી.