ઇસ્લામિક આતંકવાદ સંબંધિત સામગ્રી સાથે મળી આવેલા પીટરબરોના મોહમ્મદ તાહિર (ઉ.વ. 19); માન્ચેસ્ટરના મુહમ્મદ સઈદ ઉ.વ. 23) અને નોર્થ લંડનના મોહમ્મદ ઇસ્માઇલ (ઉ.વ. 23)ને તા. 20 મેના રોજ કિંગ્સટન ક્રાઉન કોર્ટમાં મેટ પોલીસ અને આતંકવાદ વિરોધી અધિકારીઓની તપાસ બાદ સંયુક્ત 14 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.

ઑગસ્ટથી ડિસેમ્બર 2019 ની વચ્ચે, ત્રણેય જણાએ ઇન્ટરનેટ ચેટ જૂથો પર એક બીજા સાથે વાતો કરી હતી, અને સંદેશાઓ મોકલ્યા હતા જે તેમની ઇસ્લામિક ઉગ્રવાદી માનસિકતા દર્શાવતા હતા. તેઓ એકબીજાને રૂબરૂ ક્યારેય મળ્યા ન હતા. કેટલાંક મહિનાની તપાસ બાદ, મેટની કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

મેટ પોલીસના કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડના વડા કમાન્ડર રિચાર્ડ સ્મિથે કહ્યું હતું કે “તાહિર અને ઇસ્માઈલે આતંકવાદ સંબંધિત ગેરકાયદેસર દસ્તાવેજો અને સામગ્રી ઓનલાઇન શેર કરી હતી.”

ઇસ્ટર્ન રીજીયન સ્પેશ્યલ ઓપરેશન યુનિટના કાઉન્ટર ટેરરિઝમ પોલિસીંગ યુનિટના વડા ડિટેક્ટીવ સુપ્રિન્ટેન્ડન્ટ એન્ડી વાલ્ડીએ જણાવ્યું હતું કે, “અમારી ટીમો લશ્કરી, ઉગ્રવાદી મંતવ્યો ધરાવતા લોકોને રોકવા અને અદાલતો સમક્ષ રજૂ કરવા માટે અથાક મહેનત કરે છે. તેમની ઑનલાઇન વાતચીતમાં, ત્રણેય વ્યક્તિઓએ દેશના લક્ષ્યો અને “ધર્મમાં નહિં માનનારા” લોકો સામે હિંસક જેહાદનું સમર્થન વ્યક્ત કર્યું હતું.’’

તેમણે ઉગ્રવાદી સામગ્રી, દાએશની પ્રચાર સામગ્રી, વિડિઓઝ અને આતંકવાદી હુમલાના જુદા જુદા માર્ગો દર્શાવતા પ્રકાશનો શેર કર્યા હતા. એક વાતચીતમાં સઇદે છરી વડે લંડનમાં આતંકવાદી હુમલો કરવાની વાત કરી હતી. તેમના દરેક મોબાઇલ ફોનને કબજે કરી તેનું વિશ્લેષણ કરાતા દરેકમાંથી અધિકારીઓને હિંસક આત્યંતિક સામગ્રી મળી હતી.

સઇદને પાંચ કાઉન્ટ બદલ પાંચ વર્ષની, ડચ નાગરિક ઇસ્માઇલને આતંકવાદના પ્રકાશનના પ્રસારણના બે કાઉન્ટ માટે ચાર વર્ષની અને તાહિરને આતંકવાદના પ્રકાશનના પ્રસારના એક કાઉન્ટ બદલ દોષીત ઠેરવી પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

જો તમને શંકા હોય કે કોઇ આતંકવાદી પ્રવૃત્તી સાથે સંકળાયેલું છે તો તમે 0800 789 321 પર પોલીસને જાણ કરી શકો છો. જો કોઇને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા છે તો તમે www.actearly.uk ની મુલાકાત લો અથવા વિશ્વાસ સાથે 0800 011 3764 પર ફોન કરો.