સાત્વિક સાઈરાજ – અશ્વિની પોનપ્પા (ફાઇલ ફોટો) (Photo by Robertus Pudyanto/Getty Images)

થાઈલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શનિવારે સાત્વિક સાઈરાજ – અશ્વિની પોનપ્પાની જોડીનો મિક્સ્ડ ડબ્લ્સની સેમિફાઈનલમાં ટોપ સીડ જોડી ડેકાપોલ પુઆનારાનુક્રો અને સાપ્સીરી તેરાટ્ટાનાચાઈ સામે 20-22, 21-18, 21-21થી પરાજય થયો હતો. તે અગાઉ, શનિવારે જ પુરૂષોની ડબલ્સમાં ભારતના સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીની સ્પર્ધાનો અંત આવી ગયો છે. તેઓ સેમી ફાઇનલમાં હારી ગયા હતા. આ ભારતીય જોડી પહેલી વખત સેમી ફાઇનલમાં પહોંચી હતી. સાત્વિક અને ચિરાગ મલેશિયાની જોડી સામે તેમનો શ્રેષ્ઠ દેખાવ કરી ન શક્યા. એરોન ચિયા અને સોહ વૂઇ યિક સામે તેઓ 35 મિનિટના મુકાબલામાં ૧૮-૨૧, ૧૮-૨૧થી હાર્યા હતા.

તેમના મલેશિયન હરીફ કોર્ટ પર ભારે સાવધ હતા અને સાત્વિક – ચિરાગના દરેક આક્રમણનો ચપળતાથી સામનો કર્યો હતો. આ રીતે શનિવારે સ્પર્ધામાંથી ભારતીય ખેલાડીઓ બહાર થઈ ગયા હતા.

ભારતની પી. વી. સિંધુ વહેલી હારી ગઈ હોવા છતાં અને કિદામ્બી શ્રીકાંત થાઈલેન્ડ ઓપનમાં રમ્યો નહીં હોવા છતાં હવે પછી 27 થી 31 જાન્યુઆરી દરમિયાન રમાનારી બીડબ્લ્યુએફ વર્લ્ડ ટુર ફાઈનલ માટે ક્વોલિફાઈ થયા છે. રૂમ પાર્ટનર સાઈ પ્રણિતનો ટેસ્ટ રીપોર્ટ ગયા સપ્તાહે કોરોનો પોઝિટિવ આવ્યો હોવાથી શ્રીકાંત સ્પર્ધામાંથી ખસી ગયો હતો, તો સિંધુ શુક્રવારે ક્વાર્ટર ફાઈનલમાં જ પરાજય સાથે આઉટ થઈ ગઈ હતી. પણ ટોચના ચીની તેમજ જાપાનીઝ ખેલાડીઓ કોવિડ-19 વિષેના ડરના કારણે સ્પર્ધામાં નહીં હોવાથી શ્રીકાંત તથા સિંધુને વર્લ્ડ ટુરમાં રમવાની તક મળી છે.