અમદાવાદ, વડોદરા,સુરત, ગાંધીનગર, ભાવનગર અને રાજકોટને હોટ સ્પોટ જાહેર કરી 27 ક્લસ્ટર્સમાં કોરોના કન્ટેન્મેન્ટ સ્ટ્રેટેજીનો આરંભ કરાયો હતો, આજે 20મા દિવસે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘોષિત ક્લસ્ટર્સમાં તો વધી ગયું છે, પરંતુ ચેપ અન્ય જિલ્લા, નગરો અને ગામો સુધી પ્રસરતાં ક્લસ્ટર્સની સંખ્યા વધીને 127 સુધી પહોંચી ગઇ છે. એપ્રિલના પ્રારંભે છ મહાનગરોમાં 1.55 લાખની વસતિને સીલ કરી કન્ટેન્મેન્ટ પ્લાન અમલમાં મૂક્યો હતો. આજે આ સંખ્યા વધીને 8.55 લાખ સુધી પહોંચી ગઇ છે. આમ, ક્લસ્ટર્સમાં સંક્રમણ એડવાન્સ સ્ટેજ એટલે કે કમ્યુનિટી સ્પ્રેડની દિશામાં ગતિ કરી રહ્યું છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતી રવિએ કહ્યું કે, રાજ્યમાં હાલ સ્થિતિ કાબૂમાં છે, પરંતુ કોરોનાનો પીક હજુ આવ્યો નથી. એ સ્થિતિમાં વધારે લોકો સંક્રમિત થઇ શકે છે. હાલ જે કેસ છે એમાં 80 ટકાને ચિહ્નો નથી, પાંચ ટકા ગંભીર ચિહ્નવાળા છે બાકીનાને થોડોક તાવ, શરદી, ખાંસી જેવા ચિહ્નો હોય છે.

પરંતુ આ ચેપ ડાયાબિટીક, હૃદય રોગ, કિડની, શ્વાસ અને અન્ય કોઇ બીમારીવાળા દર્દીઓ માટે મોટાભાગે ઘાતક પુરવાર થતો હોય છે. આપણા મૃત્યુના કિસ્સામાં આ જ કારણ મોટાભાગે જોવા મળ્યું છે. તેમણે કબૂલ્યું કે, ક્લસ્ટર્સમાં સંક્રમણ એડવાન્સ સ્ટેજમાં છે પણ આ વાયરસ આગામી સમયમાં એના પીક ઉપર પહોંચશે ત્યારે સ્થિતિ કેવી હોઇ શકે છે એના માટે આપણે અત્યારથી તૈયારી રાખવી પડે.