મેગને પહેલી વાર પોતાના કુટુંબની ચર્ચા ઓપ્રાહ સાથે કરતા દાવો કર્યો હતો કે બહેન સામંથા સાથે તેના ‘સંબંધો નથી’ અને જ્યારે તેણે હેરીને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે જ સામંથાએ તેની અટક માર્કલ કરી નાંખી હતી. મેગને દાવો કર્યો હતો કે તે સામંથાને 20 વર્ષથી મળી નથી પરંતુ મીડીયામાં તેમનો બન્નેનો ફોટો પ્રસિધ્ધ કરાયો છે.

મેગને જણાવ્યું હતું કે ‘’જ્યારે પિતા થોમસ માર્કલ ‘ટેબ્લોઇડ્સ સાથે કામ કરે છે’ તેવું જાણવા મળ્યું ત્યારે મને ‘દગો’ થયો હોય તેવું લાગ્યું હતું. મારા પિતાએ મને નુકસાન પહોંચાડ્યું હતું તેમ હું આર્ચીને નુકસાન પહોંચાડવાની કલ્પના નહોતી કરી શકતી. હું તે વિશે વાત કરવા આરામદાયક છું કે નહીં તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છું.’’

દરમિયાન, વડા પ્રધાન જોન્સને રાજ પરિવારમાં જાતિવાદના મેગનના દાવા અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે તે ‘મહેલની બાબત’ છે. ટોરી સાંસદોએ સોમવારે પ્રિન્સ હેરી અને મેગને રોયલ ફેમિલી વિરુદ્ધ કરેલા જાતિવાદના આક્ષેપો અંગે ‘પ્રતિક્રિયા’ આપી તેમના આક્ષેપો દ્વારા ‘પરમાણુ હથિયારનો વિસ્ફોટ’ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ શો યુ.એસ.માં ઇસ્ટર્ન ટાઇમ મુજબ રાતના આઠ વાગ્યે અને યુકેના સમય મુજબ મધરાત્રે 1 વાગ્યે પ્રસારિત થયો હતો અને આ શો મહારાણીએ જોયો નહતો. પરંતુ સોમવારે સવારે તેમના પૌત્ર અને પૌત્રવધૂ દ્વારા કરવામાં આવેલા સનસનાટીભર્યા દાવાઓની તેમના સહાયકો દ્વારા માહિતી આપવામાં આવશે.