સ્વીડિશ ક્લામેઇટ એક્ટિવિસ્ટ ગ્રેટ થનબર્ગ (ફાઇલ ફોટો( (Photo by LIONEL BONAVENTURE/AFP via Getty Images)

ભારતમાં ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ક્લાઇમેટ એક્વિટિસ્ટ ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરેલી એક ટુલકિટના સંદર્ભમાં દિલ્હી પોલીસે ગુરુવારે કેસ દાખલ કર્યો હતો. દિલ્હી પોલીસ સ્પેશ્યલ કમિશનર પ્રવીણ રંજને જણાવ્યું હતું કે ભારતના કૃષિ આંદોલનનો લાભ લેવાના વિદેશી ષડયંત્રણની પોલીસ તપાસ કરી રહી છે.

ગ્રેટા થનબર્ગનું નામ એફઆઇઆરમાં સામેલ કરવામાં આવ્યું છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અમે એફઆઇઆરમાં કોઇનું નામ લખ્યું નથી. આ કેસ ટુલકિટના સર્જકો સામે છે.

ખેડૂતોના આંદોલનને કેવી રીતે સમર્થન આપવું તે અંગેની એક ટુલકીટ ગ્રેટાએ શેર કરી હતી. પરંતુથી પછીથી તેને ડિલિટ કરી દીધી હતી. દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેનાથી ભારતના ખેડૂતોના ઉશ્કેરવાના વિદેશી નેટવર્કના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

આ પોલીસ ફરિયાદ અંગે પ્રતિક્રિયા આપતા ગ્રેટાએ જણાવ્યું હતું કે કોઈ ધમકી તેને ડગાવી નહીં શકે. 18 વર્ષીય ગ્રેટાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘હું હજુ પણ ખેડૂતોના શાંતિપૂર્ણ પ્રદર્શનને સમર્થન આપું છું. કોઈપણ પ્રકારની નફરત, ધમકીઓ અને માનવાધિકારોના ઉલ્લંઘનથી તેમાં કોઈ ફેરફાર નહીં આવે.’

ગ્રેટા થનબર્ગે મંગળવારે ખેડૂતોના સમર્થનમાં કરાયેલી પોતાની ટ્વીટમાં ભારત સરકાર સામે સવાલ ઉભા કર્યા હતા. ગ્રેટાએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે, અમે ભારતમાં ખેડૂતોના આંદોલન પ્રત્યે એકજૂથ છીએ. સાથે જ તેણે સીએનએનના એક સમાચારને ટેગ કર્યા હતા, જેનો હેડિંગ હતું, ‘પ્રદર્શનકારી ખેડૂતો અને પોલીસની અથડામણ વચ્ચે ભારતે નવી દિલ્હીની આસપાસ ઈન્ટરનેટ સેવા બંધ કરી’ એટલું જ નહીં, એક અન્ય ટ્વીટમાં તેણે ખેડૂત આંદોલનને લઈને એક કથિત દસ્તાવેજ પણ શેર કર્યો હતો, જેમાં આંદોલનના સમર્થનનું પ્લાનિંગ લખેલું હતું.