અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ-2023માં બહુપ્રતીક્ષિત મુકાબલો યોજાશે. આ મેચ દરમિયાન ત્રાસવાદી હુમલો કરવાની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સપ્તાહ અગાઉ ઈમેલ દ્વારા એક ધમકી પણ મળી હતી એટલે સ્ટેડિયમમાં તથા તેની આસપાસના વિસ્તારમાં સુરક્ષાની અત્યંત કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. બંને ટીમના ખેલાડીઓને જે હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે તેની બહાર પણ સલામતી બંદોબસ્ત ખૂબ ચૂસ્ત બનાવવામાં આવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટ તરફથી પણ પ્રવાસીઓને માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે, વર્લ્ડ કપ મેચને કારણે એરપોર્ટ પર પ્રવાસીઓ તથા મહાનુભાવોની અવરજવર વધારે રહે તેવી સંભાવના છે. પ્રવાસીઓએ તેમની સફર સરળતાપૂર્વકની બની રહે એ માટે પ્રવાસનું વહેલા આયોજન કરવું અને એરપોર્ટ ખાતે વહેલાસર પહોંચવું. સુરક્ષા પ્રક્રિયા માટે વધારે સમય આપવા માટે તૈયાર રહેવું.

આ અંગે અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિકે કહ્યું હતું કે, મેચને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમની અંદર અને બહાર 7,000 પોલીસ તહેનાત રહેશે. વધુમાં હોમગાર્ડ્સના જવાનો પણ ગોઠવવામાં આવશે. સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એડીઆરએફ) અને નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનોને પણ તહેનાત કરવામાં આવશે. નેશનલ સિક્યુરીટી ગાર્ડ્સ (એનએસજી) બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, એનએસજી હિટ ટીમ અને એન્ટી-ડ્રોન ટીમ પણ તૈનાત કરાશે. 9 બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ હાજર રહેશે. ઉપરાંત સ્નિફર ડોગ્સની પણ મદદ લેવામાં આવશે. મેચ દરમિયાન સ્પેશિયલ ટેથર્ડ ડ્રોનની મદદ સ્ટેડિયમમાં હાજર રહેશે. 1. 30 લાખ જેટલા દર્શકોની તમામ ગતિવિધિઓ અને સ્ટેડિયમ ફરતે 5 કિલોમીટરના વિસ્તારમાં થતી ગતિવિધિ પર નજર રાખવામાં આવશે.

LEAVE A REPLY