જાપાનના પાટનગર ટોક્યોમાં આ વર્ષે 24 જુલાઈથી શરૂ થવાની હતી તે ઓલિમ્પિક્સ રમત ગમત સ્પર્ધાઓ આખરે પાછી ઠેલાઈ છે અને હવે તે 2021માં યોજવા માટે સંમતિ સધાઈ છે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ મંગળવારે આ જાહેરાત કરી હતી. ઓલિમ્પિક્સ રમત સ્પર્ધાઓના 124 વર્ષના આધુનિક ઈતિહાસમાં તે યુદ્ધ સિવાયના, શાંતિકાળમાં તેના નિયત સમયે યોજાઈ ના હોય, તેના કાર્યક્રમમાં ફેરફાર કરાયો હોય કે પાછી ઠેલાઈ હોય તેવો આ પહેલો પ્રસંગ છે. હાલમાં લગભગ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો રોગચાળો અજગર ભરડો લઈ ચૂક્યો હોવાના કારણે આ નિર્ણય લેવાની ફરજ સંબંધિત સત્તાવાળાઓને પડી છે.

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી) તથા ટોક્યો ગેમ્સની આયોજન સમિતિ ઉપર ખૂબજ દબાણ હતું કે, સ્પર્ધાઓ પાછી ઠેલવાનો નિર્ણય લે. એ બન્નેનો લાંબા સમયથી એવો આગ્રહ હતો કે, સ્પર્ધાઓ તેના નિર્ધારિત કાયક્રમ મુજબ જ યોજાશે. જો કે, આખરે કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે યોજાય તો ઓલિમ્પિક્સમાં તેમની ટીમો ભાગ લેશે નહીં એવી જાહેરાત કરી દીધા પછી અને યુકે તથા અમેરિકાએ પણ સ્પર્ધાઓ પાછી ઠેલાય તેવી ઈચ્છા દર્શાવ્યા પછી આઈઓસી તથા ટોક્યો ગેમ્સની આયોજન સમિતિએ મંગળવારે આ નિર્ણય લીધો હતો. શિન્ઝો આબેએ જણાવ્યું હતું કે, ટોક્યો ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ હવે 2021ના સમર સુધીમાં યોજવા અમે સંમત થયા છીએ.

આ અગાઉ સમર ઓલિમ્પિક્સ ત્રણ વખત રદ થઈ ચૂકી છે – 1916, 1940 અને 1944માં, તો વિન્ટર ઓલિમ્પિક્સ બે વખત – 1940 અને 1944માં, વિશ્વ યુદ્ધના કારણે. 1920માં સમર ઓલિમ્પિક્સ એન્ટવર્પ, બેલ્જિયમમાં 1918ના ઈન્ફ્લુએન્ઝાના રોગચાળાના અંત પછી યોજાઈ હતી. 2016માં રીઓ ડી જાનેરોમાં મચ્છરજન્ય ઝિકા વાઈરસના રોગચાળા છતાં બ્રાઝિલમાં સમર ઓલિમ્પિક્સ યોજાઈ હતી. જો કે, ઝિકા વાઈરસની તુલનાએ કોરોના વાઈરસનો રોગચાળો માનવજાતમાં ખૂબજ ઝડપથી ફેલાઈ શકે છે.