ગુજરાતમાં ટુરિઝમ-પ્રવાસન સેક્ટરનો હોલિસ્ટીક અને ઇન્કલુઝીવ ગ્રોથ સાકાર થયો છે તેવું ગુરુવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતની સંસ્કૃતિ-પરંપરાઓને પ્રવાસન સાથે જોડીને રાજ્યના ટુરિઝમને નવો મોડ આપ્યો છે. આના પરિણામે આ સેક્ટરના સર્વગ્રાહી વિકાસ સાથે સ્થાનિક રોજગાર અવસર પણ વિપૂલ પ્રમાણમાં મળતા થયા છે.
મુખ્ય પ્રધાને ઇન્ડિયન એસોસિએશન ઓફ ટુર ઓપરેટર્સ IATO દ્વારા ગાંધીનગરમાં આયોજિત ૩૬મા વાર્ષિક સંમેલનને સંબોધન કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ડેઝર્ટ ટુરિઝમમાં રણોત્સવ, સ્પિરીચ્યુઅલ એન્ડ રિલીજીયસ ટુરિઝમ, ક્રુત્ઝ ટુરિઝમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટિથી પેટ્રીઓટિક ટુરિઝમ જેવી પ્રવાસન વૈવિધ્યની ભૂમિકા આપી હતી. તેમણે ઉમેર્યુ કે, પ્રવાસન ધામોમાં હવે પર્યાવરણ જાળવણી, ઇ-વ્હીકલનો ઉપયોગ અને સોલાર એનર્જીના વ્યાપથી સમયાનુરૂપ નવા આયામો ગુજરાતે વિકસાવ્યા છે. આ નવા આયામો સાથે ગુજરાતને ઓલરાઉન્ડ ટુરિઝમ હબ બનાવવાની નેમ તેમણે દર્શાવી હતી. તેમણે ગુજરાતની પહેલરૂપ પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી દ્વારા પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસતો-ઇમારતોને હેરિટેજ ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે પ્રોત્સાહન મળ્યુ છે તેમ પણ ઉમેર્યુ હતું. પ્રવાસન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટેના હોલ ઓફ ફેમ એવોર્ડઝ પણ મુખ્ય પ્રધાને એનાયત કર્યા હતા.