ભારત સરકારી કન્યાઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાની યોજના બનાવી હતી. હવે કેબિનેટે આ પ્રસ્તાવને ગુરુવારે મંજૂરી આપી છે. આ માટે સરકાર અત્યારના કાયદાઓમાં સુધારો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં આ મુદ્દોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દીકરીઓને કુપોષણથી બચાવવા માટે તેમના લગ્ન યોગ્ય સમયે થાય તે જરૂરી છે. વર્તમાન કાયદા મુજબ, દેશમાં પુરુષો માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 અને મહિલાઓ માટે 18 વર્ષ છે. હવે સરકાર બાળ લગ્ન પ્રતિબંધ કાયદો, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરશે. નીતિ આયોગમાં જયા જેટલીની આગેવાની હેઠળની ટાસ્ક ફોર્સે ઉંમરમાં ફેરફારની ભલામણ કરી હતી.
નીતિ આયોગના સભ્ય ડો. વી.કે પોલ પણ આ ટાસ્ક ફોર્સના સભ્ય હતા. આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, ઉચ્ચ શિક્ષણ, શાળા શિક્ષણ અને સાક્ષરતા મિશન, ન્યાય અને કાયદા મંત્રાલયના વિધેયક વિભાગના સચિવ ટાસ્ક ફોર્સના સભ્યો હતા.
આ ટાસ્ક ફોર્સની રચના ગયા વર્ષે જૂનમાં કરવામાં આવી હતી અને તેમણે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ પોતાનો રીપોર્ટ સુપરત કર્યો હતો. ટાસ્ક ફોર્સે કહ્યું કે પહેલા બાળકને જન્મ આપતી વખતે દીકરીઓની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. લગ્નમાં વિલંબથી પરિવારો, મહિલાઓ, બાળકો અને સમાજના આર્થિક, સામાજિક અને આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે.