વિદેશીઓના વીસા એક્સટેન્ડ કરાશે (Photo by Oli ScarffGetty Images)

કોરોનાવાયરસ સામે ઑક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવેલી કોરોનાવાયરસ સામે રક્ષણ આપતી રસી પૂરતી અસરકારક નથી તેવા અભ્યાસના પરિણામો અને સાઉથ આફ્રિકન વેરિયન્ટના વધતા જતા વ્યાપને લક્ષમાં રાખીને યુકેને સુરક્ષિત રાખવા સરહદ પર આકરા પ્રતિબંધો લાદવાનો સરકારે નિર્ણય કર્યો છે. સરકારે ચેતવણી આપી છે કે વિવિધ પ્રકારોનો વેરિયેન્ટ્સનો સામનો કરી શકે તેવી નવી રસી પાનખરના અંત સુધીમાં આવી જાય ત્યાં સુધી યુકેમાં બોર્ડર પર પ્રતિબંધોની જરૂર પડી શકે છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોક દ્વારા મંગળવારે બપોરે હાઉસ ઓફ કોમન્સમાં નવી સિસ્ટમની વિગતોની જાહેરાત કરતાં જણવ્યું હતું કે ‘’સરકાર મ્યુટન્ટ કોવિડ હોટસ્પોટ્સ એટલે કે સરકારના ‘રેડ લિસ્ટ’ પરના કોઈ પણ દેશની મુલાકાત લીધા બાદ તેને અધિકારીઓથી છુપાવનાર લોકો પર કામ લેવા નવો કાયદો બનાવવાની તૈયારીમાં છે અને તેવા મુસાફરોને દસ વર્ષની જેલ કરાશે. આ ઉપરાંત ટેસ્ટીંગ અને ક્વોરેન્ટાઇન ગુનાનો ભંગ કરનાર લોકોને હજારો પાઉન્ડ દંડ ફટકારવામાં આવી શકે છે.’’

હેન્કોકે જણાવ્યું હતું કે ‘’સરકાર દ્વારા 16 હોટલના 4,600 રૂમ સુરક્ષિત કરવામાં આવ્યા છે જેથી સોમવારે યોજના મુજબ ‘ક્વોરેન્ટાઇન હોટલ’ સિસ્ટમ શરૂ થઇ શકે. આ હોટેલોમાં 10 દિવસ રહેવાનો ખર્ચો વ્યક્તિ દિઠ £1,750 છે. જેમાં હોટલ, ટ્રાન્સપોર્ટ, ત્રણ વખત જમવાના અને ટેસ્ટીંગ ખર્ચ શામેલ છે. હોટેલના ક્વોરેન્ટાઇનનો ભંગ કરનારને £10,000 સુધીના દંડની સજા કરવામાં આવશે. આ નિયમોનો ભંગ કરનારા લોકો આપણા બધાને જોખમમાં મૂકી રહ્યા છે. મુસાફરોએ મુસાફરી કરતા પહેલા આ નવી વ્યવસ્થા માટે સાઇન અપ નહિં કર્યું હોય તો દંડ કરવામાં આવશે. ફરજિયાત ટેસ્ટમાં નિષ્ફળતા બદલ કોઈપણ આંતરરાષ્ટ્રીય મુસાફરને £1,000નો દંડ કરાશે. બીજા ફરજીયાત ટેસ્ટમાં નિષ્ફળતા માટે £2,000 નો દંડ કરાશે અને તેનો આઇસોલેશન પિરીયડ આપમેળે 14 દિવસ સુધી લંબાવાશે. જો કોઇ નિયુક્ત હોટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં નિષ્ફળ જશે તો તેવા મુસાફરને £5,000ની ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ આપવામાં આવશે જે £10,000 સુધી વધી શકશે.’’

હેન્કોકે ઉમેર્યું હતું કે ‘’કોઈપણ કે પેસેન્જર તેના લોકેટર ફોર્મમાં જે તે દેશના પ્રવાસની વિગતો છુપાવવાનો પ્રયાસ કરશે કે તે યુકે આવ્યાના 10 દિવસ પહેલાં રેડ લિસ્ટેડ દેશમાં રહ્યો હતો તે છુપાવશે તેને 10 વર્ષ સુધીની જેલની સજા ભોગવવી પડશે. આ પગલાં આ અઠવાડિયે કાયદા માટે મૂકવામાં આવશે. યુકે આવતા મુસાફરોએ મુસાફરી કરતા પહેલા આ ટેસ્ટ સરકારના ઑનલાઇન બુકિંગ પોર્ટલ દ્વારા બુક કરાવવા પડશે. જો યુકે આવ્યા પછી ટેસ્ટ પોઝીટીવ આવશે તો ટેસ્ટની તારીખથી વધુ 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવું પડશે.’’

હેન્કોકે કૉમન્સને કહ્યું હતું કે ‘’કોરોનાવાયરસ એ ફલૂ અને અન્ય તમામ વાયરસની જેમ, સમય જતાં પરિવર્તિત થાય છે અને તેથી જ નવા સ્ટ્રેઇનનો ઉદભવ થતાં જ તેને જવાબ આપવો મુશ્કેલ બને છે. સરકારે ચાર-ભાગની વ્યૂહરચના બનાવી છે. કેસની સંખ્યા જેટલી ઓછી હશે તેટલા આપણને નવા ઓછા સ્ટ્રેઇન્સ મળશે. તેથી સ્થાનિક સ્તરે કેસની સંખ્યા ઘટાડવાનું કામ નિર્ણાયક છે. બીજું, કોન્ટેક્ટ ટ્રેસીંગ, ટેસ્ટીંગમાં વૃદ્ધિ અને જિનોમિક સિક્વન્સીંગને વધારવામાં આવશે. ત્રીજું વેરિયન્ટનો સામનો કરે તેવી રસીઓ પર કામ થશે. અને ચોથું, સીમા પર સુરક્ષા કરી વિદેશથી આવતા લોકો નવા વેરિયેન્ટ્સ સાથે ન આવે તે જોવાનું રહેશે.’’

ડેપ્યુટી ચીફ મેડિકલ ઑફિસર, પ્રોફેસર જોનાથન વેન-ટેમે જણાવ્યું હતું કે ‘’હું માનુ છું કે એસ્ટ્રાઝેનેકા અને અન્ય રસીઓ દક્ષિણ આફ્રિકાના અને વિવિધ પ્રકારના સ્ટ્રેઇન સામે ‘નોંધપાત્ર’ રક્ષણ આપશે. શક્ય છે કે લોકોને વાર્ષિક અથવા દ્વિવાર્ષિક બૂસ્ટર જેબ્સની જરૂર પડે, કારણ કે નવા સ્ટ્રેઇન સામે રસીને અપડેટ કરવી જરૂરી હશે. સાઉથ આફ્રિકન વેરિયન્ટનો ફેલાવો ઓછામાં ઓછો છે, જેમાં અત્યાર સુધીમાં માત્ર 157 કેસ જ મળી આવ્યા છે. રસીએ યુકેમાં સૌથી વધુ વ્યાપક વેરિયન્ટ સામે અને ગંભીર બીમારી સામે નોંધપાત્ર રક્ષણ આપ્યું હતું. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાનો વેરિયન્ટ સામે રસીથી રક્ષણ મળશે. યુકેમાં 70 કરતા વધુ વયના 90 ટકા લોકોને પ્રથમ ડોઝ મળી ગયો છે.

અગ્રણી એપીડેમીયોલોજીસ્ટ પ્રોફેસર ડેવિડ હેમેને આજે ચેતવણી આપી હતુ કે સરહદો ‘ચેપી રોગોને રોકી શકતી નથી. પછી ભલે તમારા નિયંત્રણ કેટલા કઠોર હોય. મોટાભાગના દેશો માને છે કે દેશમાં ચેપનો સામનો કરવા માટે શ્રેષ્ઠ વ્યૂહરચના છે. આપણે પોતાના દેશોમાં શ્રેષ્ઠ સંરક્ષણ આપવું પડશે.’

હાલમાં ‘રેડ લિસ્ટ’ દેશોમાંથી યુકે આવતા બ્રિટીશ નાગરિકો સિવાયના લોકોના આગમન પર કેટલાક અન્ય અપવાદો સિવાય દરેક માટે પહેલેથી જ પ્રતિબંધ છે. હોટેલ માટેની બુકિંગ સિસ્ટમ ગુરૂવારે શરૂ થશે અને સરકાર સંપૂર્ણ વિગતવાર માર્ગદર્શિકા પ્રકાશિત કરશે. લોકોએ તેમના રૂમમાં જ રહેવું પડશે અને અન્ય અતિથિઓ સાથે મળવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ માટે સુરક્ષા ગાર્ડ અને પોલીસ પણ હશે.

યુકે આવતા બધા મુસાફરોએ ત્રણ પ્રકારના કોવિડ ટેસ્ટનો સામનો કરવો પડશે. મિનિસ્ટર્સ દ્વારા જણાવાયું છે કે જે દેશો ‘રેડ લીસ્ટ’માં છે તે દેશોમાંથી આવતા મુસાફરો માટેની ‘ક્વોરેન્ટાઇન હોટલો’ સોમવાર સુધીમાં તૈયાર થઈ જશે. આ માટે તેમણે પોતાના દેશમાંથી બુકિંગ કરાવવું પડશે. સરકાર દ્વારા યુકેમાં આગમન માટે કોરોનાવાયરસ ટેસ્ટીંગના નવા પણ સખત નિયમો રજૂ કર્યા છે. હવેથી ડીપાર્ચર પહેલાં નેગેટીવ ટેસ્ટને જરૂરી બનાવાયો છે અને લોકોનું આઇસોલેશન દરમિયાન બે વખત સ્ક્રીનીંગ કરવામાં આવશે.

મુસાફરોના ટેસ્ટ ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ પીસીઆર હશે કે ક્વિકર લેટરલ ફ્લો હશે. બૂટ્સના પીસીઆર ટેસ્ટની ફી £120 છે, જો કે રેપીડ કીટ ઘણી સસ્તી છે.

એન્વાયર્નમેન્ટ સેક્રેટરી જ્યોર્જ યુસ્ટાઇસે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’સોમવારથી યોજના મુજબ ‘ક્વોરેન્ટાઇન હોટલ’ સિસ્ટમ અમલમાં રહેશે, જો કે સરકારે સ્વીકાર્યું છે કે હજુ હોટેલ્સ સાથે કોઈ કરાર કર્યા નથી. તેમણે સંકેત આપ્યો છે કે જ્યાં સુધી વિવિધ પ્રકારના સ્ટ્રેઇન સામેની કારગત રસી ન આવે ત્યાં સુધી સખત સરહદ નિયંત્રણોની જરૂર રહેશે. વૈજ્ઞાનિકો  આ માટે ઘણાં મહિના લાગી શકે તેમ છે એમ જણાવે છે. તેમણે સ્વીકાર્યું હતું કે તા. 9ની સવારે પોર્ટ્સ અને વિમાની મથક નજીકની હોટલો સાથે ચર્ચાઓ પૂર્ણ થઈ નથી. આરોગ્ય વિભાગના અધિકારીઓ તે માટે વિવિધ ઓપરેટરોની શ્રેણી સાથે વાટાઘાટો કરી રહ્યા છે.

ટ્રાવેલ એક્સપર્ટે આજે જાહેર કરાયેલી ટેસ્ટીંગ યોજનાઓને આવકારી હતી પરંતુ કહ્યું હતું કે હોટલ કોવોરેન્ટાઇનમાં બદલાવ લાવવો જોઇએ. NHS પર ખૂબ ઓછું દબાણ હશે અને ચેપ / મૃત્યુદર ઓછો હશે ત્યારે સરકાર એપ્રિલથી સરહદ પ્રતિબંધોને છૂટા કરવા વિચારી રહી છે એવા સંકેત આપવાની સરકારને જરૂર છે.

લક્ઝરી ટ્રાવેલ કંપની કુઓનીના ચીફ એક્ઝિક્યુટિવ ડેરેક જોન્સે આવી રહેલા મુસાફરોની ચકાસણી કરવાની યોજનાને આવકારી હતી પરંતુ ફરજિયાત સેલ્ફ ઇસોલેશનની આવશ્યકતાઓમાં સરળતા સાથે સુસંગત રહેવા હાકલ કરી હતી.

બીજી તરફ એવિએશન ક્ષેત્ર હજૂ સંપૂર્ણપણે અંધારામાં છીએ. સરકાર તેમને બોર્ડિંગ નામંજૂર કરવા દેશે કે નહીં તેની હજી સુધી તેમને ખબર નથી. એરલાઇને મુસાફરોના લોકેટર ફોર્મ્સ ચકાસવા પડશે અને મુસાફરે 72 કલાકની અંદર નેગેટીવ ટેસ્ટ કરાવ્યો છે તેની ચકાસણી કરવી પડશે. આ માટે કાયદામાં પરિવર્તનની જરૂર પડશે અને તે સરળ નથી.

રેડ લિસ્ટ દેશોના મુસાફરો માટેના નિયમો

યુકે વતા પહેલા જે તે દેશોમાંથી પ્રસ્થાન કરવાના 72 કલાક પહેલા નેગેટીવ ટેસ્ટ હોવાના પૂરાવા રજૂ કરવા પડશે. તેમણે યુકે આવ્યા બાદ ‘ક્વોરેન્ટાઇન હોટેલ’માં 10 દિવસ રોકાવું પડશે. આ સમય દરમિયાન તેમણે ક્વોરેન્ટાઇનના બીજા અને આઠમા દિવસે ટેસ્ટ કરાવવો પડશે.

હોટલ ક્વોરેન્ટાઇન માટેના રેડ લિસ્ટ દેશોની યાદી

અંગોલા, આર્જેન્ટિના, બોલિવિયા, બોત્સ્વાના, બ્રાઝિલ, બરુન્ડી, કેપ વર્ડે, ચિલી, કોલમ્બિયા, ડેમો. રિપબ્લિક ઓફ કોંગો, ઇક્વાડોર, ઇસ્વાટિની, ફ્રેન્ચ ગયાના, ગયાના, લેસોથો, માલાવી, મોરેશિયસ, મોઝામ્બિક, નમિબીઆ, પનામા, પેરાગ્વે, પેરુ, પોર્ટુગલ (મેડેઇરા અને એઝોર્સ સહિત), રવાંડા, સેશેલ્સ, દક્ષિણ આફ્રિકા, સુરીનામ, ટાન્ઝાનિયા, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), ઉરુગ્વે, વેનેઝુએલા, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે.

રેડ લિસ્ટ સિવાયના દેશોમાંથી આવતા મુસાફરો માટેના નિયમો

આવા મુસાફરોએ જે તે દેશમાંથી પ્રસ્થાન કરે તેના 72 કલાક પહેલા નેગેટીવ ટેસ્ટના પૂરાવા રજૂ કરવા પડશે. તેમણે યુકેમાં પોતાના ઘરે અથવા ખાનગી સ્થળે 10 દિવસ માટે આઇસોલેશનમાં રહેવું પડશે. આઇસોલેશનના બીજા અને આઠમા દિવસે ટેસ્ટીંગ કરાવવું પડશે. અથવા ટેસ્ટ એન્ડ રીલીઝ યોજના અંતર્ગત બીજા અને પાંચમા દિવસે તપાસ કરવામાં આવશે અને ટેસ્ટ નેગેટીવ આવશે તો આ પ્રતિબંધોમાંથી છૂટી શકાશે.

બોર્ડર કંટ્રોલની તરફેણ કરતા લોકો

ગયા અઠવાડિયે મેઇલ ઑનલાઇન માટેના એક સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે વિવિધ પ્રકારના વેરિયન્ટ્સના ભય વચ્ચે સખત બોર્ડર કંટ્રોલની લોકો મોટા પ્રમાણમાં તરફેણ કરી રહ્યાં છે. આશરે 45 ટકા લોકોએ સખત બોર્ડર કંટ્રોલને મજબૂત ટેકો આપ્યો હતો. 33 ટકો લોકોએ ટેકો આપ્યો હતો. જ્યારે 13 ટકા તટસ્થ રહ્યા હતા. 4 ટકાએ વિરોધ અને 2 ટકાએ સખત વિરોધ કર્યો હતો. 3 ટકા લોકોએ કશું ન જાણતા હોવાનું જણાવ્યું હતું.