તાલિબાનો સામે લડાઈ લડ્યા વગર કાબુલનું પતન અમેરિકન ઇતિહાસની સૌથી મોટી હાર પૈકીની એક ગણાશે, એમ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું.

તાલિબાનોએ કાબુલમાં પ્રેસિડેન્શિયલ પેલેસ પર કબજો જમાવ્યા બાદ ટૂંકા નિવેદનમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે જો બાઇડેનને અફઘાનિસ્તાનમાં કર્યું તે ઐતિહાસિક છે. તે અમેરિકાના ઇતિહાસની સૌથી મોટી હાર ગણાશે.
કાબુલની ગતિવિધિથી અંગે વ્હાઇટ હાઉસે કોઇ નિવેદન આપ્યું નથી. પ્રેસિડન્ટ જો બાઇડેન કેમ્પ ડેવિડ ખાતે વીએન્ડ માણી રહ્યાં છે. તેમણે ટોચના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર્સ સાથે વિડિયો કોન્ફરન્સથી મંત્રણા કરી હતી, એમ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું.

યુનાઇટેડ નેશન્સમાં ભૂતપૂર્વ યુએસ એમ્બેસેડર નિક્કી હેલીએ કાબુલના પતનને બાઇડેન સરકારની નિષ્ફળતા ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકન નાગરિકોને સુરક્ષિત છોડી દેવાની તાલિબાનો સામે ભીખ માંગવી પડે તેવા અંતની ભૂતપૂર્વ સૈનિકો કે લશ્કરી પરિવારે ક્યારેય કલ્પના નહીં કરી હોય.

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ જણાવ્યું હતું કે જો પ્રેસિડન્ટ ટ્રમ્પ જેવા કમાન્ડર ઇન ચીફ હોય અને હું હજુ વિદેશ પ્રધાન હોવું તો તાલિબાનોને આની ભારે કિંમત ચુકવવી પડી હોત. જોકે અમેરિકાના વિદેશ પ્રધાન ટોની બ્લિન્કેને જણાવ્યું હતું કે અમે તાલિબાનો સામે ભીખ માગી નથી. અમે કહ્યું છે કે જો તાલિબાન અમારા અધિકારીઓ અને કાર્યવાહીમાં દખલ કરશે તો ઝડપી અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે.