Law enforcement officials gather following a shooting at 17th Street and Pennsylvania Avenue near the White House, Monday, Aug. 10, 2020, in Washington. (AP Photo/Patrick Semansky)

અમેરિકામાં રાષ્ટ્રપતિ આવાસ વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગ થવાના કારણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પની પ્રેસ કોન્ફરન્સને અધૂરી છોડવી પડી હતી અને તેમને થોડા સમય માટે સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અમેરિકી સિક્રેટ એજન્ટ્સે હથિયારબંધ શખ્સને કાબુમાં લઈ લીધો હતો. થોડા સમય બાદ ટ્રમ્પ પાછા ફર્યા હતા અને પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ફાયરિંગની ઘટનાની પૃષ્ટિ કરી હતી.

સિક્રેટ સર્વિસ એજન્સી દ્વારા પણ ફાયરિંગની પૃષ્ટિ કરવામાં આવી છે. ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, એક યુવકને સિક્રેટ એજન્ટ સાથે 17 સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુમાં વ્હાઈટ હાઉસના એક બ્લોકમાં ગોળીબારની ઘટના બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમને ગોળીબાર મામલે યુવકની ઓળખ કે તેના ઉદ્દેશ્યની જાણ નથી થઈ શકી. હજુ સુધી તે યુવકથી કયા પ્રકારનું જોખમ હતું તે જાણકારી પણ સામે નથી આવી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પને જ્યારે યુવક પાસે હથિયાર હતું તેવો સવાલ કરવામાં આવ્યો તો તેનો જવાબ તેમણે ‘હા’ એવો આપ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, વ્હાઈટ હાઉસ પરિસરમાં થયેલી ઘટનાનું આશ્ચર્ય થયું પરંતુ તેમને સેફ્ટી પ્રોટોકોલમાં કોઈ ખામી નથી લાગી. હાલ વ્હાઈટ હાઉસ અને તેની આસપાસ સ્થિતિ નિયંત્રણમાં છે. અનેક વર્ષોથી વ્હાઈટ હાઉસની બહાર પ્રદર્શન કરી રહેલા ફિલિપોસ મોલાકુએ પોતે સાંજે 5:50 કલાકે ગોળીબારનો અવાજ સાંભળ્યો હોવાનું જણાવ્યું હતું.

ત્યાર બાદ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ઘટના સ્થળે પોહંચી ગઈ હતી અને આસપાસના રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીના કહેવા પ્રમાણે ગોળીબાર પહેલા ભારે અવાજ સાંભળવામાં આવ્યો હતો અને અનેક સિક્રેટ સર્વિસ એજન્ટ લોનમાં પોતાની પોઝિશન લેતા જોવા મળ્યા હતા. આ ઘટના બાદ પોડિયમ પર પાછા આવેલા ટ્રમ્પ ખૂબ જ શાંત જણાઈ રહ્યા હતા.

ફરીથી પ્રેસ કોન્ફરન્સ ચાલુ થઈ ત્યારે તેમને કોઈ ચિંતા થઈ તેવો સવાલ પુછવામાં આવેલો જેના જવાબમાં તેમણે ‘આ દુનિયા હંમેશા એક ખતરનાક જગ્યા રહી છે માટે આમાં કશું જ અનપેક્ષિત નથી’ તેવો જવાબ આપ્યો હતો. ટ્રમ્પે પોતાના સિક્રેટ સર્વિસ એજન્ટ્સની પ્રશંસા કરતા કહ્યું કે, ખૂબ જ ઓછા સમયમાં તેમણે સ્થિતિ પર કાબુ મેળવી લીધો અને તેમની ઉપસ્થિતિમાં પોતે હંમેશા સુરક્ષિત, સહજ અનુભવ કરે છે.