/Getty Images)

ટ્વિટરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેનનું અકાઉન્ટ બોલ્ક કરી નાખ્યું છે. આરોપ છે કે તેમણે કોરોનાવાયરસ અંગે ખોટી જાણકારી આપી. આ અકાઉન્ટ પર ટ્રમ્પે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં ટ્રમ્પ કહી રહ્યા છે કે બાળકોમાં કોરોનાવાયરસ સામે લડવા માટે મજબૂત ઇમ્યૂન સિસ્ટમ છે. ટ્વિટરે આ વીડિયો પોસ્ટને તેમની પોલિસી વિરુદ્ધ ગણાવી હટાવી દીધો છે.

જોકે ટ્રમ્પે તેમના અકાઉન્ટ પર વીડિયોની લિન્ક ટ્વિટ કરી છે પણ ત્યાં ટ્વિટરે કોઇ એક્શન લીધી નથી. આ પહેલા ફેસબુકે પણ ટ્રમ્પની કોવિડ-19 અંગેની ખોટી જાણકારીવાળી પોસ્ટ હટાવી દીધી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતું કે સ્કૂલ ફરી ખુલવી જોઇએ કારણ કે બાળકોમાં કોરોનાવાયરસ સામે લડવાની મજબૂત ઇમ્યૂન સિસ્ટમ છે. તેમણે કહ્યું કે બાળકોમાં આપણાથી પણ મજબૂત ઇમ્યૂન સિસ્ટમ છે.

ટ્રમ્પે કહ્યું કે કોરોનાથી અત્યાર સુધી માત્ર ન્યૂ જર્સીમાં જ એક બાળકનું મોત થયું છે. તે બાળકને ડાયાબિટીઝની બીમારી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ડાયાબિટીઝથી પીડાતા બાળકની ઇમ્યૂન સિસ્ટમ પણ ઘણી મજબૂત હોય છે. ટ્વિટરે તેમના પ્લેટફોર્મ પર ખોટી માહિતી ફેલાતી રોકવા માટે નવી ફેક્ટ ચેકિંગ સિસ્ટમની શરૂઆત કરી છે.

તેના લીધે ટ્વિટરે ઘણી વખત ટ્રમ્પના ટ્વિટ ડિલીટ કર્યા છે. મિનેપોલીસમાં અશ્વેત જ્યોર્જ ફ્લોય્ડના મોત બાદ દેખાવકારો પર જ્યારે ટ્રમ્પે ગોળી ચલાવવાની ધમકી આપી હતી ત્યારે ટ્વિટરે તે ટ્વિટ પર ટેગ લગાવી દીધું હતું. ટ્વિટરે લખ્યું હતું કે અમે હિંસાને પ્રોત્સાહન આપતા નથી.