પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેપીટોલ હુમલા પછી તથા પ્રમુખપદે વરાયેલા જો બાઈડેનના વિજયને ગત સપ્તાહે પડકારતો મત આપનારા રીપબ્લિકનો સામે કોર્પોરેટ જગતની નારાજગી વધી છે. કેટલાક કોર્પોરેટ્સે તો આવા રીપબ્લિકનોના પ્રચાર ભંડોળમાં કાપ મુકવા અથવા બંધ કરવા સુધીની ધમકી આપી છે.

વ્હાઇટ હાઉસ તથા યુએસ હાઉસના બંને ગૃહોમાં ટુંક સમયમાં જ સત્તા ઉપરથી વિદાય થનારા રીપબ્લિકન્સ માટે પ્રચાર ભંડોળ ઉભું કરતા સાધનસ્ત્રોત અટકાવવાની ધમકી આપનારા કોર્પોરેટ હાઉસીઝમાં એમેઝોન, એટી એન્ડ ટી, કોમકાસ્ટ, જનરલ ઇલેકટ્રીક, ડાઉ, વરીઝોન કોમ્યુનિકેશન, અમેરિકન એક્સપ્રેસ, માસ્ટરકાર્ડ, બેસ્ટ બાય, હોલ્માર્ક કંપની અને અન્યોનો સમાવેશ થાય છે. વોશિંગ્ટનમાં સૌથી મોટા કોર્પોરેટ દાતાઓમાં કોમકાસ્ટ અને એટી એન્ડ ટીનો સમાવેશ થાય છે.

ગ્રીટીંગ કાર્ડ જાયન્ટ હોલમાર્કે તો બાઈડેનના સર્ટીફીકેશનનો વિરોધ કરનારા બે રીપબ્લિકનો જો હોલ અને રોજર માર્શલને અપાયેલું ભંડોળ પાછું માંગ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ બાઈડેનના વિજયને માન્ય રાખવા મળેલી યુએસ કોંગ્રેસ બેઠક પૂર્વે કરેલા કેપીટોલ હુમલા બાદ કેપીટોલ હીલની આસપાસ જંગી નાણા ભંડોળ ઠાલવતા કોર્પોરેટ હાઉસોમાં સમગ્ર ઘટનાની છણાવટ ચાલુ હોવાનું ઉક્ત ઘટનાથી જણાય છે.

ડાઉ ઇન્કે. સેનેટમાંના રીપબ્લિકનોને છ વર્ષની પૂરી મુદત સુધી ભંડોળ અટકાવવાનો નિર્ણય લીધો હતો. જીઇ ઇલેકટ્રીક કંપનીએ 2022 સુધી ભંડોળ અટકાવવા નિર્ણય લીધો હતો. કોંગ્રેસની બેઠક ફરીથી યોજાઇ ત્યારે હાઉસ ઓફ રીપ્રેઝન્ટીટેવ્ઝ અને સેનેટમાં 147 રીપબ્લિકન્સે પેન્સિલ્વેનિયા અને એરીઝોનામાં બાઈડેનના વિજયને પડકારતું મતદાન કર્યું હતું. બંને રાજ્યોએ બાઈડેનના પરિણામને અધિકૃત મંજૂરી આપી દીધી હોવા છતાં તથા ચૂંટણી અધિકારીઓએ પણ કોઇ ગેરરીતિ નહીં થયાનું જણાવ્યા છતાં તેમનું આવું વલણ રહ્યું હતું.

બાઈડેનના વિજય વિરોધી મત આપનારામાં બંને ગૃહોના ટોચના રીપબ્લિકન્સ કેવિન મેક્કાર્થી, સ્ટીવ સ્કેલિસ અને રીક સ્કોટનો સમાવેશ થાય છે. મેક્કાર્થી અને સ્કેલિસના પ્રતિનિધિ ટીપ્પણી માટે ઉપલબ્ધ નહોતા અને સ્કોટના પ્રતિનિધિઓ ટીપ્પણી કરી નહોતી.

રીપબ્લિકન્સ સામે નારાજગી વધી હોય તેવી કંપનીઓમાં ફોર્ડ મોટર, માઇક્રોસોફ્ટ, અમેરિકન એરલાઇન્સ, ફેસબુક, ગોલ્ડમેન સાશ, સ્મિથફિલ્ડ, આલ્ફાબેટ ઇન્ક.ની ગૂગલનો સમાવેશ થાય છે. આ તમામે કામચલાઉ ધોરણે પ્રચારભંડોળ રોકવા નિર્ણય લીધો છે તો બિયર હોલસેલર્સ સંઘ, ઓટોડીલર્સ સંઘ, બેન્કર્સ એસોસિયેશન, હોમ બિલ્ડર અને રીટેલર સંઘોએ હજુ કોઇ નિર્ણય લીધો નથી અથવા તો પરિસ્થિતિની છણાવટ કરી રહ્યા છે. કેટલાક ઉદ્યોગગૃહો આવનારા સપ્તાહોની રાહ જોઇને રીપબ્લિકન્સ પૂર્વવત્ સામાન્ય વર્તન બાઈડેનની શપથવિધિમાં હાજરી અને અન્યત્ર કેવું વર્તન કરે છે તેના ઉપર નજર રાખશે.વિશ્વની સૌથી મોટી હોટેલ કંપની મેરિયટ ઇન્ટરનેશનલ તથા બ્લૂ ક્રોસ બ્લૂ શીલ્ડ એસોસિએશને ((BCBSA) રવિવારે જણાવ્યું હતું કે અમેરિકામાં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઇડનના વિજયને સર્ટિફાઇ કરવાની વિરુદ્ધમાં ગયા સપ્તાહે મતદાન કરનારા અમેરિકાના સાંસદોને હવેથી તેઓ ડોનેશન નહીં આપે.
મેરિયટના પ્રવક્તા કોની કીમે જણાવ્યું હતું કે કાયદેસર અને નિષ્પક્ષ ચૂંટણીની અવગણના કરતા કેપિટલ ખાતેના હિંસક ઘટનાક્રમને અમે ધ્યાનમાં લીધો છે અને ચૂંટણીમાં સર્ટિફિકેશનની વિરુદ્ધમાં મતદાન કરનારા સાંસદોને અમારી પોલિટિકલ એક્શન કમિટી રાજકીય ડોનેશન બંધ કરશે.

અમેરિકામાં ત્રણમાંથી એક વ્યક્તિને હેલ્થકેર કવરેજ આપતી 36 કંપનીઓના સંગઠન BCBSA જણાવ્યું હતું કે ગયા સપ્તાહની હિંસા, અમેરિકાની સંસદ પરના આઘાતજનક હુમલાને પગલે BCBSA લોકશાહીની અવગણના કરનારા સાંસદોને ડોનેશન બંધ કરાશે.

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ સંસદ પરિસરમાં કરેલા હુમલામાં એક પોલીસ અધિકારી સહિત ચાર વ્યક્તિના મોત થયા હતા.જે પી મોર્ગન ચેસે રવિવારે જણાવ્યું હતું કે તેની પોલિટિકલ એક્શન કમિટી દ્વારા આપવામાં આવતાં તમામ રાજકીય ડોનેશન ઓછામાં ઓછા છ મહિના મોકૂફ રખાશે.

સિટીગ્રુપ ઇન્કે કર્મચારીઓને આપેલા મેમોમાં જણાવ્યું હતું કે કંપનીએ ઇલેક્ટોરલ કોલેજ રીઝલ્ટના સર્ટિફિકેશનની વિરુદ્ધમાં આગેવાની લેનારા સાંસદોની સમીક્ષા કરી છે.સિટીગ્રુપ ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ હેડ કેન્ડી વોલ્ફે જણાવ્યું હતું કે અમે આશ્વાસન આપીએ છીએ કે અમે કાયદાના શાસનનું સન્માન ન કરનારા ઉમેદવારને સપોર્ટ કરીશું નહીં. દેશ પ્રેસિડેન્શિયલ ટ્રાન્સિઝનમાંથી પસાર થઈ રહ્યો હોવાથી અમે આ ક્વાર્ટર દરમિયાન અમારા ડોનેશન અટકાવવા માગીએ છીએ.

વોલમાર્ટ ઇન્કના પ્રવકતાએ જણાવ્યું હતું કે કંપની રાજકીય ડોનેશનની વ્યૂહરચનામાં ફેરફાર કરવા દરેક ચૂંટણી પછી સમીક્ષા કરે છે. અમે આગામી મહિનામાં સમીક્ષા કરીએ ત્યારે ગયા સપ્તાહના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીશું.