(Photo by Jon Cherry/Getty Images)

સંસદ પર ટ્રમ્પ સમર્થકોના હુમલા બાદ ડેમોક્રેટ્સ નેતાઓએ પ્રેસિડન્ટ ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહી ચાલુ કરવાની ભારપૂર્વક માગણી કરી હતી. પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસી અને સેનેટ માઇનોરિટી લીડર ચક શુમર સહિતના ડેમોક્રેટ્સ નેતાઓએ માગણી કરી હતી કે જો વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સ અને કેબિનેટ ટ્રમ્પને સત્તા પરથી દૂર કરવાના પગલાં લેવાનો ઇનકાર કે તો તાકીદે મહાભિયોગની કાર્યવાહી ચાલુ કરવી જોઇએ.

પેલોસી અને શુમેરે અમેરિકાની બંધારણના 25માં સુધારાનો ઉપયોગ કરવા પેન્સ અને ટ્રમ્પ કેબિનેટ સમક્ષ માગણી કરી હતી. આ સુધારા હેઠળ પ્રેસિડન્ટને સત્તા પરથી દૂર કરી શકાય છે. જોકે પેન્સે આ માગણીનો વિરોધ કર્યો હતો.
ઓછામાં ઓછા બે રિપબ્લિકન સેનેટર્સે પણ જણાવ્યું હતું કે ટ્રમ્પની હકાલપટ્ટી થવી જોઇએ. સંસદ પરના હુમલાના વિરોધમાં ટ્રમ્પ વહીવટીતંત્રના સંખ્યાબંધ અધિકારીઓએ રાજીનામાં આપ્યા છે.

બાઇડને આ હુમલા માટે ટ્રમ્પને જવાબદાર લેખાવ્યા હતા, પરંતુ તેમની હકાલપટ્ટી અંગે કોઇ ટિપ્પણી કરી ન હતી.
ડેમોક્રેટ્સ નેતાઓએ ગુરુવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટના ખતરનાક અને રાજદ્વોહી કૃત્યને કારણે તેમને સત્તા પરથી તાકીદે દૂર કરવા જરૂરી છે. આ નેતાઓ ટ્રમ્પ પર બળવાને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો હતો.
ગુરુવારે હકાલપટ્ટીની માગણીએ જોર પકડતા ટ્રમ્પે વિડિયો જારી કરીને આ હિંસાની નિંદા કરી હતી. ટ્રમ્પની મુદત હવે બે સપ્તાહ કરતાં ઓછો સમય રહ્યો છે ત્યારે મહાભિયોગની કાર્યવાહી પૂરી કરવા માટે પૂરતો સમય છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

પેલોસીએ નિર્ણયની જાહેરાત કરી નથી, પરંતુ ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમની કોકસના સામાન્ય ડેમોક્રેટ્સ તાકીદે પગલાની માગણી કરી રહ્યા છે. જો ગૃહમાં મહાભિયોગની કાર્યવાહી થશે તો ટ્રમ્પે રિપબ્લિકનની બહુમતી ધરાવતી સેનેટામાં કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ડેમોક્રેટિકના આગેવાની હેઠળની પ્રતિનિધિગૃહમાં ડિસેમ્બર 2019માં ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહી ચાલુ થઈ હતી, પરંતુ રિપબ્લિકનની બહુમતી ધરાવતી સેનેટે ફેબ્રુઆરી 2020માં તેમને આરોપમુક્ત કર્યા હતા. અમેરિકાના ઇતિહાસમાં બીજા બે પ્રેસિડન્ટ સામે મહાભિયોગ ચાલ્યો છે, પરંતુ કોઇ એક પ્રેસિડન્ટ સામે બે વખત આવી કાર્યવાહી થઈ નથી.

ગુરુવારે જ્યોર્જિયામાં બે બેઠકની ચૂંટણી બાદ સેનેટમાં ડેમોક્રેટ્સની બહુમતી થશે, પરંતું નવા સેનેટર્સ આ રિઝલ્ટને સર્ટિફાઇ કરવામાં ન આવે ત્યાં સુધી શપથ લઈ શકશે નહીં. આ ચૂંટણીને સર્ટિફાઇ કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી છે.