(REUTERS/Carlos Barria)

અમેરિકામાં જો બિડેનની જીત થઈ હોવા છતા હજી પણ ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા માટે તૈયાર નથી ત્યારે અમેરિકન મીડિયાને એવી આશંકા છે કે, બિડેનને જીત માટે ટ્રમ્પ તેમને અભિનંદન પાઠવવાનો પણ ઈનકાર કરી દેશે. આવુ થશે તો અમેરિકામાં 124 વર્ષ જુની પરંપરા તુટી જશે.

ચૂંટણીપ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે ભારે કડવાશ જોવા મળી હતી. અમેરિકાના ઈતિહાસમાં 1896ની ચૂંટણીમાં પહેલી વખત હારનારા ઉમેદવાર વિલિયમ્સ જેસિંગ બ્રાયને પોતાના હરીફ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારન વિલિયમ મેકિનલેને જીતવા બદલ અભિનંદન આપ્યા હતા. એ પછી હારનાર ઉમેદવાર જીતનાર ઉમેદવારને અભિનંદન આપે તેવી પરંપરા શરુ થઈ હતી.

જોકે ટ્રમ્પના સ્વભાવને જોતા આ પરંપરા તુટે તેવી અમેરિકન મીડિયાને આશંકા છે. ટ્રમ્પ અચાનક જ ચોંકાવી દે તેવા નિર્ણયો લેવા માટે એમ પણ જાણીતા છે. તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન બિડેનને માનસિક રીતે બિમાર, ભ્રષ્ટાચારી, ચીનના ખોળામાં રમનાર અને ડાબેરી એમ ઘણા પ્રકારના વિશેષણોથી સંબોધી ચુક્યા છે. ટ્રમ્પે ચૂંટણીમાં ગોટાળા થયાના આક્ષેપ સાથે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ ચીમકી આપી છે. આવામાં શક્યતા એવી છે કે, ટ્રમ્પ બિડેનને જીત માટે અભિનંદન ના પાઠવે.