અમેરિકના પ્રેસિડેન્ટપદની ચૂંટણી અગાઉ અંતિમ પ્રેશિડેન્શિયલ ડીબેટમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જ માટે ભારત, રશિયા અને ચીનને જવાબદાર ગણ્યું હતું. તેમણે ખરાબ વાતાવરણ માટે ભારત અને રશિયાની ટિકા કરી છે. ટ્રમ્પે ‘અયોગ્ય’ પેરીસ ક્લાઈમેટ કરારમાંથી તેમના દ્વારા અમેરિકાનું નામ પાછુ ખેંચવાને યોગ્ય ઠેરવતાં જણાવ્યું હતું કે, ચીન, ભારત અને રશિયાએ તેમના ખરાબ વાતાવરણને સુધારવા કોઈ પગલાં લીધા નથી, જ્યારે અમેરિકા હંમેશા તેની સ્વચ્છ વાતાવરણ બાબતે ધ્યાન રાખે છે. ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટ હરીફ ઉમેદવાર જો બિડેન વચ્ચે ત્રીજી અને અંતિમ પ્રેશિડેન્શિયલ ડીબેટ યોજાઈ હતી.
તેમણે ડીબેટમાં કહ્યું હતું કે, આપણે સ્વચ્છ હવા માટે અનેક નિયમો બનાવ્યા છે. બિડેન પર પ્રહાર કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, સ્વચ્છ વાતાવરણની વાતને હું બિડેન કરતાં ઘણી વધુ જાણું છું. અમેરિકામાં કાર્બન ઉત્સર્જન ઓછું છે. ભારત, ચીન, રશિયામાં વાતાવરણ એટલું ખરાબ છે કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. હું પેરિસ સમજૂતીથી બહાર એટલા માટે જતો રહ્યો હતો, કારણ કે આપણી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે સતત દાવો કર્યો કે પેરિસ સમજૂતીથી ભારત-ચીન જેવા દેશોને જ સૌથી વધુ લાભ થાય છે જ્યારે અમેરિકામાં બિઝનેસને નુકસાન થઇ ગયું છે.
ટ્રમ્પે કહ્યું હતું કે, ‘પેરિસ કરારને કારણે હું લાખો નોકરીઓ અને હજારો કંપનીઓનું બલિદાન નહીં આપું. આ ખૂબ જ અયોગ્ય છે.’ ડીબેટ અગાઉ બંને નેતાઓએ કોરોના સંક્રમણના કારણે એકબીજા સાથે હાથ મિલાવ્યા નહોતા. ગયા વર્ષે અમેરિકાએ ઔપચારિક રીતે પેરિસ ક્લાઇમેટ ચેન્જ કરારમાંથી પીછેહઠ કરી હતી.
પછી બિડેને જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જ વિશ્વમાં ખૂબ મોટો મુદ્દો છે, પરંતુ ટ્રમ્પ હંમેશા તેને ગંભીરતાથી લેતા નથી, જ્યારે તે માનવજાત માટે જોખમી છે. આપણે આ યોજના તૈયાર કરી છે. બિડેને ઈલેક્ટ્રિક કારના બજારને વિકસાવવા હાઈવે પર 50,000 ચાર્જિંગ સ્ટેશનમાં રોકાણ કરવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, હું પ્રેસિડેન્ટ બનીશ તો ફરીથી પેરિસ કરાર કરીશ અને પ્રદૂષણ માટે ચીન પર દોષારોપણ કરીશ. જળવાયુ પરિવર્તનની દિશામાં વર્ષ 2015માં તૈયાર થયેલી પેરિસ એગ્રીમેન્ટ એક ગ્લોબલ કરાર હતા, જેના અમલમાં તત્કાલિન પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કરારનો હેતુ વિશ્વના તાપમાનને સારા પ્રયાસોથી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવાનો હતો. જોકે, ટ્રમ્પે આ સમજૂતીમાં અમેરિકા સાથે અન્યાય થયો હોવાનો દાવો કરીને વર્ષ 2017માં તેમાંથી અમેરિકાનું નામ પરત લીધું હતું. જોકે, આ પગલાં પછી ટ્રમ્પની સમગ્ર વિશ્વમાં ગંભીર ટીકા થઈ હતી.