
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એશિયાના ત્રણ દેશોની મુલાકાતના ભાગરૂપે રવિવાર, 26 ઓક્ટોબરે મલેશિયાના કુઆલાલંપુરમાં પહોંચ્યા હતાં. મલેશિયા, જાપાન અને સાઉથ કોરિયાની પાંચ દિવસની મુલાકાત દરમિયાન ટ્રમ્પ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે પણ બેઠક યોજે તેવી શક્યતા છે. આ બેઠક દરમિયાન અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થવાની ધારણા છે.
ટ્રમ્પે કુઆલાલંપુરમાં પ્રાદેશિક શિખર સંમેલનમાં હાજરી આપી હતી. અહીં તેમની હાજરીમાં થાઇલેન્ડના વડાપ્રધાન અનુતિન ચાર્નવિરાકુલ અને કંબોડિયાના વડા પ્રધાન હુન માનેટે બંને દેશો વચ્ચેની યુદ્ધવિરામ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતાં. તેમણે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
મલેશિયા પછી ટ્રમ્પ જાપાન અને સાઉથ કોરિયાની મુલાકાત લેશે. જાપાનમાં પ્રથમ મહિલા વડાપ્રધાન સના તાકાચીને પદભાર સંભાળ્યા પછી ટ્રમ્પ ટોકિયોની મુલાકાત લઈ રહ્યાં છે. ટ્રમ્પ અને તાકાચી વચ્ચે બેઠક યોજાશે.
દક્ષિણ કોરિયામાં એશિયા પેસિફિક આર્થિક સહયોગ (APEC) સમિટ દરમિયાન ટ્રમ્પ અને અમેરિકાના પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચે બેઠક યોજાવાની ધારણા છે. યુએસ અધિકારીના જણાવ્યા અનુસાર APEC સમિટ ગ્યોંગજુમાં યોજાવાની છે, પરંતુ ટ્રમ્પ-શી વચ્ચેની બેઠક બુસાન શહેરમાં થવાની ધારણા છે. અમેરિકા અને ચીન વચ્ચે નવેસરના ટ્રેડવોર વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે.










