
ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને સોમવાર, 16 જૂને એક સ્વ-બ્રાન્ડેડ મોબાઇલ સર્વિસ અને $499નો ટ્રમ્પ મોબાઇલ લોન્ચ કરીને ફોન માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. આ ફોન અમેરિકામાં ઉત્પાદિત હશે. આ જાહેરાત પછી લાઇવ થયેલી વેબસાઇટમાં જણાવાયું હતું કે સપ્ટેમ્બરથી ટ્રમ્પ-બ્રાન્ડેડ સ્માર્ટફોન ઉપલબ્ધ બનશે. નવા નેટવર્કમાં $47.45 પ્રતિ મહિનાનો સબ્સ્ક્રિપ્શન પ્લાન હશે. નવા મોબાઇલ સાહસમાં યુનાઇટેડ સ્ટેટ્સ સ્થિત કોલ સેન્ટરો અને અમેરિકામાં બનેલા ફોનનો સમાવેશ થશે.
ન્યૂ યોર્કના ટ્રમ્પ ટાવર ખાતે આ પ્રોડક્ટની જાહેરાત કરતા પ્રેસિડન્ટ મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે જણાવ્યું હતું કે અમે પ્રોડક્ટ્સનું એક સંપૂર્ણ પેકેજ રજૂ કરવા જઈ રહ્યા છીએ જ્યાં લોકો આવી શકે છે અને તેઓ એક ફ્લેટ માસિક ફીમાં તેમના ફોન પર ટેલિમેડિસિન, તેમની કાર પર રોડસાઇડ સહાય, વિશ્વભરના 100 દેશોમાં અમર્યાદિત ટેક્સ્ટિંગ મેળવી શકે છે.
લાંબા સમયથી રિયલ એસ્ટેટ સામ્રાજ્ય, લક્ઝરી હોટલ અને ગોલ્ફ રિસોર્ટ માટે જાણીતાં ટ્રમ્પ પરિવારે તાજેતરના વર્ષોમાં ડિજિટલ મીડિયા અને ક્રિપ્ટોકરન્સી સહિતના નવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે.પ્રેસિડન્ટના મોટાભાગના બિઝનેસ સાહસોની હોલ્ડિંગ કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન છે.
