ટ્રમ્પ વહીવટીતંત્રે 21 જાન્યુઆરીની અસરથી પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને રશિયા સહિત 75 દેશોના વ્યક્તિઓ માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા સ્થગિત કરવાની બુધવારે જાહેરાત કરી હતી. અમેરિકામાં સરકારી લાભો પર આધાર રાખતા વિદેશીઓ પરની કડક કાર્યવાહીના ભાગરૂપે આ જાહેરાત કરાઈ હતી.
જોકે વિદેશ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે આ નિયમ ટુરિસ્ટ વિઝા પર લાગુ પડતો નથી અને તે ખાસ કરીને ઇમિગ્રન્ટ વિઝા અરજદારો માટે છે. ટુરિસ્ટ વિઝા નોન ઇમિગ્રન્ટ્સ વિઝા છે. અમેરિકામાં કાયમી રહેવા માગતા લોકોનો સામાન્ય રીતે ઇમિગ્રન્ટ વિઝા (IV) આપવામાં આવે છે.
અમેરિકાના વિદેશ વિભાગે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વિદેશ વિભાગ 75 દેશોના ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયાને સ્થગિત કરશે. આ દેશોના માઇગ્રન્ટ્સ અમેરિકન લોકોના ભોગે અસ્વીકાર્ય દરે સરકારી લાભો મેળવે છે. નવા ઇમિગ્રન્ટ્સ અમેરિકા લોકોની સંપત્તિનો ઉપયોગ કરતાં નથી તેની ખાતરી ન થાય ત્યાં સુધી આ નિયમ લાગુ પડશે.
વ્હાઇટ હાઉસે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે નવા ઇમિગ્રન્ટ્સ સરકારી પર બોજો ન બને અથવા અમેરિકન કરદાતાના ભોગે સરકારી લાભ ન મળે તેની અમેરિકા ખાતરી ન કરે ત્યાં સુધી ટ્રમ્પ વહીવટીતંત્ર 75 દેશોના ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયાને ત્યાં સુધી સ્થગિત કરશે. આ નિર્ણયથી સોમાલિયા, હૈતી, ઈરાન અને એરિટ્રિયા સહિત ડઝનબંધ દેશોને અસર કરે છે – જેમના ઇમિગ્રન્ટ્સ ઘણીવાર આગમન પર અમેરિકા માટે જાહેર બોજ બની જાય છે. અમે ખાતરી કરવા માટે કામ કરી રહ્યા છીએ કે અમેરિકન લોકોની ઉદારતાનો હવે દુરુપયોગ ન થાય. ટ્રમ્પ વહીવટીતંત્ર હમેશ અમેરિકા ફર્સ્ટની નીતિનું પાલન કરશે.
વિદેશ વિભાગે કોનસ્યુલર અધિકારીઓને એક મેમો મોકલીને હાલના કાયદા હેઠળ વિઝા નકારવાનો આદેશ આપ્યો હતો.
ઇમિગ્રન્ટ્સ વિઝા સ્થગિત કરાયા છે તેવા દેશોમા અફધાનિસ્તાન, આલ્બેનિયા, અલ્જેરિયા, એન્ટીગુઆ એન્ડ બાર્બુડા, આર્મેનિયા, બહામાસ, બાંગ્લાદેશ, બાર્બાડોસ, બેલારુસ, બેલીઝ, ભૂટાન, બોસ્નિયા, બ્રાઝિલ, બર્મા, કંબોડિયા, કેમરૂન, કેપ વર્ડે, કોલંબિયા, કોટ ડી’આઇવોર, ક્યુબા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ડોમિનિકા,ઇજિપ્ત, એરિટ્રિયા, ઇથોપિયા, ફીજી, ગામ્બિયા, જ્યોર્જિયા, ઘાના, ગ્રેનાડા, ગ્વાટેમાલા, ગિની, હૈતી, ઈરાન, ઇરાક, જમૈકા, જોર્ડન, કઝાકિસ્તાન, કોસોવો, કુવૈત, કિર્ગિસ્તાન, લાઓસ, લેબનોન, લાઇબેરિયા, લિબિયા, મેસેડોનિયા, મોલ્ડોવા, મંગોલિયા, મોન્ટેનેગ્રો, મોરોક્કો, નેપાળ,નિકારાગુઆ, નાઇજીરીયા, પાકિસ્તાન, કોંગો, રશિયા, રવાન્ડા, સેન્ટ લુસિયા, સેનેગલ, સીએરા લિયોન, સોમાલિયા, દક્ષિણ સુદાન, સુદાન, સીરિયા, તાંઝાનિયા, થાઇલેન્ડ, ટોગો, ટ્યુનિશિયા, યુગાન્ડા, ઉરુગ્વે, ઉઝબેકિસ્તાન અને યમન સહિતના દેશોનો સમાવેશ તાય છે.
ઇમિગ્રન્ટ્સ વિઝા પ્રોસેસ રદ કરવાના નિર્ણયથી ટુરિસ્ટ કે વર્ક વિઝાને અસર થશે નહીં. અમેરિકામાં કાયમી ધોરણે રહેવા માગતા લોકોને આ નિર્ણયની અસર થશે.
પ્રેસિડન્ટ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઇમિગ્રન્ટ્સે આર્થિક રીતે આત્મનિર્ભર હોવા જોઈએ અને અમેરિકનો પર નાણાકીય બોજ ન બનવા જોઈએ. આ ઉચ્ચ જોખમ ધરાવતા દેશોના ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં બોજરૂપ ન બને તે સુનિશ્ચિત કરવા માટે વિદેશ વિભાગ તમામ નીતિઓ, નિયમો અને માર્ગદર્શનની સંપૂર્ણ સમીક્ષા કરી રહ્યું છે.
ઇમિગ્રન્ટ વિઝા કેટેગરીમાં યુએસ નાગરિકના જીવનસાથી, યુએસ નાગરિક સાથે લગ્ન કરીને યુએસમાં રહેવા માટે મંગેતર (ઇ), યુએસ નાગરિકોના પરિવારના ચોક્કસ સભ્યો અને કેટલાક રોજગાર-આધારિત ઇમિગ્રન્ટ્સનો સમાવેશ થાય છે જેઓ ગ્રીન કાર્ડ માટે અરજી કરીને અને પછી યુએસ નાગરિકતા મેળવીને યુએસમાં કાયમી રહી શકે છે.













