
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની આયાત પર 25 ટકા ટેરિફ વત્તા પેનલ્ટી લાદ્યા પછી ભારતના કટ્ટર દુશ્મન પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલની 31 જુલાઈએ જાહેરાત કરી હતી. આ ટ્રેડ ડીલ હેઠળ વોશિંગ્ટન આ સાઉથ એશિયન દેશમાં વિશાળ ક્રૂડ રિઝર્વ ઊભો કરશે. જોકે ટ્રમ્પ પાકિસ્તાનમાં કયા વિશાળ તેલ ભંડારનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં તે તાત્કાલિક સ્પષ્ટ થયું ન હતું.
સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકન પ્રમુખે કટાક્ષ કર્યો હતો કે શું ખબર કોઇ દિવસ પાકિસ્તાન ભારતને ક્રૂડ ઓઇલનું વેચાણ કરતું હશે. અમે હમણાં જ પાકિસ્તાન દેશ સાથે એક કરાર કર્યો છે, જેમાં પાકિસ્તાન અને અમેરિકા તેમના વિશાળ તેલ ભંડાર વિકસાવવા માટે સાથે મળીને કામ કરશે. અમે આ ભાગીદારીનું નેતૃત્વ કરતી તેલ કંપની પસંદ કરવાની પ્રક્રિયામાં છીએ. કોણ જાણે, કદાચ તેઓ કોઈ દિવસ ભારતને તેલ વેચશે!”
પાકિસ્તાન હાલમાં તેની ઉર્જા માંગને પહોંચી વળવા માટે મધ્ય પૂર્વમાંથી ક્રુડ ઓઇલની આયાત કરે છે, પરંતુ પાકિસ્તાનમાં એવા વિશાળ ઓફશોર ક્રૂડ ઓઇલ ભંડારો વિશેના અહેવાલો છે, જે ટેકનિકલ કુશળતા અને ભંડોળના અભાવે ઉપયોગ વગરના છે. દેશ આ ભંડારોનો ઉપયોગ કરવા માટે રોકાણોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ભારતથી આવતા તમામ માલ પર 25 ટકા ટેરિફ અને રશિયન લશ્કરી સાધનો અને ઉર્જાની ખરીદી પર વધારાનો દંડ લાદવાની જાહેરાત કર્યાના કલાકો પછી ટ્રમ્પે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે ઇસ્લામાબાદ અને વોશિંગ્ટન વચ્ચે થયેલા “ઐતિહાસિક” વેપાર કરાર માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો અને આશા વ્યક્ત કરી કે તે બંને દેશો વચ્ચે સહયોગને વિસ્તૃત કરશે.
ટ્રમ્પે હવે પાકિસ્તાન પર કેટલી ટેરિફ લાગશે તેની કોઇ સ્પષ્ટતા કરી ન હતી, પરંતુ પાકિસ્તાનને જણાવ્યું હતું કે તેના પરની ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો થશે.
વોશિંગ્ટન હરીફ ચીનના પ્રભાવનો સામનો કરવાના પ્રયાસમાં પાકિસ્તાનને “મુખ્ય બિન-નાટો સાથી” તરીકે નિયુક્ત કરેલું છે. ટ્રમ્પે પાકિસ્તાન પર એપ્રિલમાં 29 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. જોકે પછી તેને 90 દિવસ માટે સ્થગિત કરી હતી.
સરકારી રેડિયો પાકિસ્તાન અનુસાર, વોશિંગ્ટન ડીસીમાં નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબની યુએસ વાણિજ્ય પ્રધાન હોવર્ડ લુટનિક અને યુએસ વેપાર પ્રતિનિધિ રાજદૂત જેમીસન ગ્રીર સાથેની બેઠક દરમિયાન વેપાર કરારમાં સફળતા મળી હતી.આ કરારના પરિણામે ખાસ કરીને પાકિસ્તાની નિકાસ પર પારસ્પરિક ટેરિફમાં ઘટાડો થશે. આ સોદો ખાસ કરીને ઊર્જા, ખાણ અને ખનિજો, આઇટી, ક્રિપ્ટોકરન્સી અને અન્ય ક્ષેત્રોમાં આર્થિક સહયોગના નવા યુગની શરૂઆત દર્શાવે છે
