
વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં એક બેઠક દરમિયાન અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ ભેટમાં આપ્યો હતો. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ પુષ્ટિ આપી હતી કે ટ્રમ્પ આ મેડલ પોતાની પાસે રાખવાનો ઇરાદો ધરાવે છે.
ગુરુવારે સાંજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે મારિયાએ મારા કાર્ય માટે મને તેમનો નોબેલ શાંતિ પુરસ્કાર અર્પણ કર્યો છે. પરસ્પર આદરનો આ અદભૂત સંકેત. આભાર મારિયા! જોકે ટ્રમ્પે પદભ્રષ્ટ નિકોલસ માદુરોના સ્થાને વેનેઝુએલાના નેતા તરીકે મચાડોને સ્થાપિત કરવાના વિચારને ફગાવી દીધો હતો.
ટ્રમ્પ સાથેની બેઠકને અદભૂત ગણાવીને મચાડોએ જણાવ્યું હતું કે વેનેઝુએલાના લોકોની સ્વતંત્રતા પ્રત્યેની ટ્રમ્પની પ્રતિબદ્ધતાનું બહુમાન કરવા માટે તેમણે આ ભેટ આપી હતી. વ્હાઇટ હાઉસે પાછળથી ટ્રમ્પ અને મચાડોનો એક ફોટો પોસ્ટ કર્યો જેમાં પ્રેસિડન્ટે મેડલ દર્શાવતી એક મોટી, સોનાના રંગની ફ્રેમ પકડી રાખી હતી.
વેનેઝુએલામાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતથી અનેક રાજકીય તર્ક વિતર્ક થયા હતાં. આ મહિનાની શરૂઆતમાં અમેરિકાએ મિલિટરી ઓપરેશનમાં વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી હતી.
અગાઉ નોબેલ શાંતિ પુરસ્કાર આપતી સંસ્થાએ સ્પષ્ટતા કરી હતી કે નિયમો અનુસાર પુરસ્કારને ટ્રાન્સફર કે શેર કરી શકાતો નથી.












