તાજેતરના વર્ષોમાં સૌથી વધુ વિક્ષેપ સર્જનાર શિયાળુ વાવાઝોડાઓમાંના એક, સ્ટોર્મ ગોરેટ્ટી શુક્રવાર સવારે ત્રાટકતા સમગ્ર યુકેમાં શક્તિવાળા પવનો, ભારે બરફ અને પૂર સાથે ટ્રાવેલ નેટવર્ક, એનર્જી અને પાણીની માળખાગત સુવિધાઓ ખોટકાવા ઉપરાંત રોજિંદા જીવનમાં વ્યાપક અરાજકતા ફેલાઈ ગઈ હતી. દુઃખદ વાત એ છે કે, વાવાઝોડાને કારણે ઝાડ પડતા એક વ્યક્તિનો જીવ ગયો હતો. કોર્નવોલમાં 50 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
સ્નો અને બર્ફીલી સ્થિતિની આગાહી ઉપરાંત ભારે વરસાદ અને પીગળતા બરફને કારણે પૂરનું જોખમ વધ્યું છે, જેના કારણે દેશભરમાં 50થી વધુ પૂરની ચેતવણીઓ આપવામાં આવી છે.
સાઉથ ઇંગ્લેન્ડ અને નોર્થ ફ્રાન્સમાં હજારો ઘરો અને બિઝનેસીસનાં વીજળી ગુલ થઈ હતી. ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મનીમાં રેલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી અને હવાઇ સેવાઓ પર પ્રભાવિત થઈ હતી. સ્કોટલેન્ડમાં સ્કૂલો બંધ કરાઈ હતી. અગાઉ બ્રિટનની નેશનલ વેધર સર્વિસ મેટ ઓફિસે ગુરુવારે રાત્રે સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં હાઇએસ્ટ રેડ વેધર વોર્નિંગ જારી કરી હતી. જીવલેણ સ્થિતિ ઊભી થવાની પૂરી શક્યતા હોય ત્યારે દુર્લભ સંજોગોમાં આવી રેડ વોર્નિંગ જારી થતી હોય છે.
પહેલું સ્ટોર્મ ગુરુવાર, 8 જાન્યુઆરીના રોજ ત્રાટક્યું હતું. સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડ, કોર્નવોલ અને આઇલ ઓફ સિલી દ્વીપસમૂહમાં વાવાઝોડાની ઝડપ 100 માઇલ પ્રતિ કલાક હતી અને ભારે બરફવર્ષા થઈ હતી. તેનાથી રસ્તાઓ બ્લોક થયાં હતાં અને વીજળી ગુલ થઈ હતી. ઘણા લોકો પાણી વગર રહ્યાં હતાં.
કેટલાક ખુલ્લા દરિયાકાંઠાના વિસ્તારોમાં, વાવાઝોડાની ઝડપ તેનાથી ઉપર નોંધાઇ હતી. હવામાન મથકોએ 123 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા. ભયાનક પવનોની પાછળ ભારે સ્નો ત્રાટક્યો હતો. જેણે સ્કોટલેન્ડ, મિડલેન્ડ્સ અને વેલ્સના મોટા ભાગને ઢાંકી દીધો અને જોખમી પરિસ્થિતિઓમાં વધારો કર્યો હતો.
કોર્નવોલમાં હજારો લોકો વીજળી અને પાણી વગર રહ્યા હતા અને પાણીની મુખ્ય પાઇપલાઇનોને નુકસાન થયું હતું અને પમ્પિંગ સ્ટેશનો ખોરવાઈ ગયા હતા. કટોકટી વધુ ખરાબ થતા રહેવાસીઓને બોટલબંધ પાણી વિતરણ અને ગરમ સ્થળે ખસેડવા પગલાં ગોઠવવામાં આવ્યા હતા.
કેન્ટ અને સસેક્સ ઠંડા તાપમાનથી પાઈપો ફાટી જતાં 30,000 ઘરોનો પાણી પૂરવઠો બંધ કરાયો હતો. વાવાઝોડાના કારણે માળખાગત સુવિધાઓને નુકસાન થયું હતું.
ભારે હવામાનને કારણે મિલકત અને કૃષિ નુકસાન માટે વીમા દાવાઓમાં ઉછાળો આવ્યો છે.
નેશનલ ગ્રીડના જણાવ્યા અનુસાર સાઉથ વેસ્ટ ઈંગ્લેન્ડ, મિડલેન્ડ્સ અને વેલ્સમાં 57,000થી વધુ લોકો વીજળી વગર રહ્યાં હતાં. યુકેમાં સ્ટોર્મ પસાર થઈ રહ્યું ત્યારે તે આર્ક્ટિક હવાઓ સાથે અથડાયું હતું, જેનાથી નોર્ધર્ન વિસ્તારોમાં બરફ અને સાઉથમાં ભારે વરસાદ પડ્યો હતો. નોર્થ સ્કોટલેન્ડના લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. સ્કોટલેન્ડમાં આ અઠવાડિયાની શરૂઆતમાં અડધા મીટરથી વધુ બરફ પડ્યો છે. રસ્તા પરથી બરફને દૂર કરવા માટે સ્નોપ્લો ઓવરટાઇમ કામ કરી રહ્યા છે, ત્યારે આ નવી મુશ્કેલી આવી હતી. સ્કોટલેન્ડમાં 250થી વધુ શાળાઓ શુક્રવારે બંધ રહી હતી. કેટલીક સ્કૂલો તો સતત પાંચમા દિવસે પણ બંધ રહી હતી.
સ્ટ્રોર્મ ગોરેટ્ટીની પરિવહન પર ગંભીર અસર
સ્ટ્રોર્મ ગોરેટ્ટીની પરિવહન પર પડેલી અસર ઝડપી અને ગંભીર હતી. શુક્રવારે હીથ્રો જતી અને ઉપડતી ઓછામાં ઓછી 69 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે 9,000થી વધુ મુસાફરો પ્રભાવિત થયા હતા. જ્યારે અન્ય મુખ્ય એરપોર્ટ્સ પરથી ઉપડતી અને ઉતરતી ફલાઇટ્સ રદ કરવામાં આવી હતી અથવા તો વિલંબીત થઇ હતી.
ચેનલ આઇલેન્ડ્સ પરના એરપોર્ટ્સ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા, અને ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં રેલ સેવાઓને વ્યાપક વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. જેમાં વૃક્ષો પડી જવા, બરફના અવરોધ અને બર્ફીલા ટ્રેકને કારણે કેટલીક લાઇનો સ્થગિત કરવામાં આવી હતી. નેશનલ રેલે મુસાફરોને મુસાફરી કરતા પહેલા સેવાઓ તપાસવાની સલાહ આપી હતી, જ્યારે કોર્નવોલ, નોર્ધર્ન ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં મુખ્ય રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા હતા.
બરફને કારણે થોડા સમય માટે બર્મિંગહામ એરપોર્ટ બંધ કરાયું હતું અને પછી મર્યાદિત રન-વે કામગીરી સાથે ફરી ખોલવામાં આવ્યું હતું.
સ્ટોર્મ ગોરેટ્ટીને કારણે નોર્થ વેસ્ટ ફ્રાન્સમાં વ્યાપક અસર
સ્ટોર્મ ગોરેટીને કારણે નોર્થ વેસ્ટ ફ્રાન્સમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. તેનાથી આશરે 3.80 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ હતી. જોકે શુક્રવારે સવાર સુધી કોઇ જાનમાલને નુકસાનના અહેવાલ મળ્યાં ન હતાં. રાષ્ટ્રીય પાવર ગ્રીડ ઓપરેટર એનેડિસના જણાવ્યા અનુસાર મોટાભાગે નોર્મેન્ડી પ્રદેશમાં વીજળી સપ્લાય કપાયો હતો. ફ્રાન્સની નેશનલ વેધર સર્વિસ મેટિયો-ફ્રાન્સે શિયાળુ તોફાન પહેલા વોર્નિંગ જારી કરીને લોકોને ઘરમાં જ રહેવાની તાકીદ કરી હતી. નોર્મેન્ડીના ગેટ્ટેવિલે-લે-ફારેમાં રાત્રે 213 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. નોર્થ વેસ્ટ ફ્રાન્સમાં રિજનલ ટ્રેન સેવાઓ સ્થગિત કરાઈ હતી. હાઇ-સ્પીડ રેલ સેવાઓ કાર્યરત રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પેરિસ એરપોર્ટ પર વિમાન સેવા પર વધુ અસર ન થવાની ધારણા છે.














