- શૈલેષ સોલંકી અને અમિત રોય દ્વારા
વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે બુધવાર તા. 24ના રોજ ચેકર્સ ખાતે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઔપચારિક રીતે સંમત થયેલા મુક્ત વેપાર કરાર (FTA)નો મહત્તમ લાભ મેળવવામાં બ્રિટિશ એશિયન બિઝનેસીસને મદદ કરવાનું વચન આપ્યું છે.
કેર સ્ટાર્મરે બકિંગહામશાયરમાં આવેલા પોતાના નિવાસસ્થાન ચેકર્સ ખાતે ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાત સાથેની એક્સક્લુસિવ મુલાકાતમાં આ પ્રતિજ્ઞા લીધી હતી.
કેર સ્ટાર્મરે કહ્યું હતું કે “મને લાગે છે કે બ્રિટિશ ભારતીય અને એશિયન બિઝનેસીસ માટે, આપણે EU છોડ્યા પછીનો આ સૌથી મહત્વપૂર્ણ સોદો છે. ભારત સાથે થયેલા કોઈપણ સોદાની તે શ્રેષ્ઠ શરતો છે. અને તમે વડા પ્રધાન મોદી પાસેથી મહત્વાકાંક્ષા સાંભળી છે કે આ ફક્ત કાગળના ટુકડા કરતાં વધુ છે. આપણા બંને દેશોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. કેટલાક સ્પષ્ટપણે પ્રભાવિત અથવા ઉન્નત ક્ષેત્રો છે, ચાહે તે ફાર્માસ્યુટિકલ્સ હોય, વ્હિસ્કી હોય કે અન્ય ઉત્પાદન હોય, ઘણા અન્ય ક્ષેત્રોમાં બિઝનેસ વધારવા માટે ખરેખર ભૂખ હશે. આમ યુકેમાં બિઝનેસીસ માટે ભારત સાથે વ્યવહાર કરવા અને બિઝનેસ કરવા માટે આ એક મોટી તક છે. અને હું આ તક લેવા માટે ખૂબ જ ઉત્સુક છું.”
સ્ટાર્મરે કહ્યું હતું કે “વડા પ્રધાન મોદી અને હું ગયા વર્ષે G20 માં સાથે બેઠા હતા ત્યારે આપણા બિઝનેસ સમુદાયો માટેની અમારી મહત્વાકાંક્ષા વિશે ચર્ચા કરી હતી. જેમાં અમે બંને તેને બીજા સ્તરે લઈ જવા સંમત થયા હતા. હું અમારા બિઝનેસીસ માટે વેપાર કરવાનું સરળ બનાવવા માંગતો હતો, અને આજે અમે તે જ કર્યું છે. હું તેમને એટલું જ કહીશ કે, ‘આ સોદાનો સંપૂર્ણ લાભ લો, અમે તમારી સાથે કામ કરીશું. અમે તમને ટેકો આપીશું. અમે તમારા બિઝનેસની તકો વધારવા માટે શક્ય તેટલું સરળ બનાવીશું. અને આ માટે ઘણા બધા બહાર આવશે.”
સ્ટાર્મરે કહ્યું હતું કે “બ્રિટિશ એશિયન સમુદાય આ દેશમાં મોટી રકમ લાવ્યો છે અને તેઓ આ દેશનો મૂલ્યવાન ભાગ છે. મારો મતલબ ફક્ત બિઝનેસીસ માટે જ નથી, મારો અર્થ સંસ્કૃતિ પર પણ છે. એક દેશ તરીકે આપણે કોણ છીએ તેના સંદર્ભમાં છે, અને તેથી જ અમે હંમેશા સમુદાયનું સ્વાગત કર્યું છે, સમુદાય પર આધાર રાખ્યો છે અને સમુદાય સાથે કામ કરવા માંગીએ છીએ. એક અર્થમાં, આ સોદો બ્રિટિશ એશિયન બિઝનેસીસની તકોને અન્ય કોઈપણ બાબત જેટલી જ વધારવા વિશે છે. તેથી અમે અમારા સમાજનો ભાગ બનવા માટે અને તેમના અદ્ભુત યોગદાન બદલ તેમનો આભાર માનીએ છીએ. ખરેખર સ્પષ્ટપણે કહીએ તો, અમે હંમેશા વિશ્વભરમાંથી આવતી પ્રતિભાનું, અમારા સમાજમાં યોગદાનનું સ્વાગત કરીએ છીએ. હા, અમારે અમારા ઇમિગ્રેશન માળખા પર યોગ્ય નિયંત્રણ રાખવાની જરૂર છે. મને લાગે છે કે બંને સાથે મળીને ચાલે છે, પરંતુ અમે હંમેશા અમારા બ્રિટિશ એશિયન સમુદાયનું સ્વાગત કરતા આવ્યા છીએ, અને તે એકદમ સાચું પણ છે. મને લાગે છે કે આજે, એક અર્થમાં, એક દેશ તરીકે અમારા માટે તે કેટલું મહત્વપૂર્ણ છે તેનો સારો પુરાવો છે.”
ઇન્ટરવ્યુમાં હળવા અને આત્મવિશ્વાસુ દેખાતા સર કેરે ભારપૂર્વક કહ્યું હતું કે “જુઓ, આપણી પાસે બહુસાંસ્કૃતિક, વૈવિધ્યસભર સમાજ છે, અને તે જ આપણને એક મહાન દેશ બનાવે છે. હંમેશા રહ્યા છીએ, હંમેશા રહેશે, અને તે આપણે કોણ છીએ તેના બંધારણનો એક ભાગ છે, અને તે દેશભરના લોકો દ્વારા આવકાર્ય અને પ્રશંસાપાત્ર છે.”
ચાન્સેલર રેચલ રીવ્સ દ્વારા લાદવામાં આવેલા ઇનહેરિટન્સ ટેક્સ અને નોન-ડોમ સ્ટેટસ પરના કઠોર નાણાકીય નિયમોને કારણે દુબઈ અને અન્ય મૈત્રીપૂર્ણ કર વ્યવસ્થામાં સ્થળાંતર કરનારા શ્રીમંત ઉદ્યોગસાહસિકોના સ્થળાંતરને તેઓ કેવી રીતે અટકાવશે તે અંગે તેમના પર દબાણ હતું (રીવ્સ બુધવારે ચેકર્સમાં આવ્યાં હતાં).
સ્ટાર્મરે ભારપૂર્વક જણાવ્યું હતું કે “અમે યુકેમાં શ્રીમંત વ્યક્તિઓ અને બિઝનેસીસને આકર્ષવા અને જાળવી રાખવા માંગીએ છીએ. એ મહત્વનું છે કે અમારી પાસે કરવેરા માટે જે પણ સિસ્ટમ છે તે અદ્યતન, આધુનિક અને વર્તમાન અને ભવિષ્ય માટે યોગ્ય હોય – અને અમારી પાસે એક જૂની સિસ્ટમ હતી. પરંતુ હું ખરેખર સ્પષ્ટ કરવા માંગુ છું કે, અમે તે પ્રતિભાને આકર્ષવા માંગીએ છીએ. અમે આપણી પાસે રહેલી પ્રતિભા અને સંપત્તિને જાળવી રાખવા માંગીએ છીએ. મને લાગે છે કે અમે આપણા બિઝનેસ સમુદાયો માટે જેટલું વધુ કરીએ, આ સોદા જેવા વધુ સોદાઓ સાથે આપણે જેટલું વધુ કરી શકીએ, તેટલું સારું વાતાવરણ આપણે લોકોને જાણવા માટે બનાવીશું કે યુકે એ શ્રેષ્ઠ સ્થાન છે.”
સર કેરે કહ્યું હતું કે “હું કહીશ કે આપણે હવે અસ્થિર દુનિયામાં જીવી રહ્યા છીએ, પછી ભલે તે સંરક્ષણ, સુરક્ષા અને સંઘર્ષ હોય, પછી ભલે તે વેપાર અને આર્થિક બાજુ પર હોય, કદાચ ઘણા વર્ષોથી વધુ અને વધુ અનિશ્ચિત દુનિયા છે. પણ યુકે વૃદ્ધિ અને વ્યવહારિકતા પર ધ્યાન કેન્દ્રિત કરતું, સ્થિરતાનું વાસ્તવિક દીવાદાંડી બની રહ્યું છે.’’
તેમણે કહ્યું હતું કે “12 મહિનામાં, અમે ત્રણ વેપાર સોદા કર્યા છે જે યુકેની હવેની ભૂમિકાનો પુરાવો છે. ભારત સાથેના સોદા પર આજે ઔપચારિક રીતે હસ્તાક્ષર થયા. અમે યુએસ સાથે અને EU સાથે સોદો કર્યો છે, જેના ઘણા બધા પાસા છે. મને લાગે છે કે લેબર સરકારના એક વર્ષ પછી યુકે માટે ખૂબ જ સારા સમાચાર છે.”
શું ઉભરતા ભારતને વિશ્વના મંચ પર વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જુઓ છો? તે અંગે જવાબ આપતા સ્ટાર્મરે કહ્યું હતું કે “હા, ભારત નિઃશંકપણે આર્થિક શક્તિ અને વૈશ્વિક પ્રભાવની દ્રષ્ટિએ પણ એક ઉભરતી શક્તિ છે. મને લાગે છે કે મેં અને વડા પ્રધાન મોદીએ આજે જે શબ્દો કહ્યા હતા તેનું ખરેખર મહત્વ છે. આને ફક્ત એક વેપાર સોદા કરતાં વધુ જોવાનો છે. તે પોતાની શરતો પર એક સારો વેપાર સોદો છે, પરંતુ આપણા બે દેશો, વિશ્વની પાંચમી અને છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા, કેવી રીતે સાથે મળીને કામ કરી શકે છે તે મહત્વનું છે. તે આપણા લોકશાહી અને સ્વતંત્રતાના મૂલ્યો વિશે છે, જે ઊંડાણપૂર્વક જડાયેલા મૂલ્યો છે. તેથી જ ભારતની ભૂમિકાના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય તરફ જોઈ રહ્યો છું. ભારત વિશ્વમાં એક ઉભરતો, વધુને વધુ શક્તિશાળી અને મહત્વપૂર્ણ દેશ છે. મને લાગે છે કે વધુ અનિશ્ચિત દુનિયામાં, લાંબો, મજબૂત ઇતિહાસ ધરાવતા અને ભવિષ્ય માટે સ્પષ્ટ યોજના ધરાવતા આપણા જેવા નજીકના સાથીઓ માટે જોડાયેલા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ‘વિઝન 2035’ યોજના ભારત અને યુકે બંને માટે મહત્વપૂર્ણ છે. તેથી, ટૂંકમાં, મારો જવાબ હા છે.”
મોદી સરકારે તેમના 14 વર્ષના સત્તાકાળ દરમિયાન ટોરી નેતાઓ સાથે વ્યવહાર કરવામાં આરામદાયક અનુભવ કર્યો હતો. પરંતુ સ્ટાર્મરની નેતાગીરી હેઠળનું સંક્રમણ ઘણા લોકોની અપેક્ષા કરતાં ઘણું સરળ રહ્યું છે, કારણ કે તેમણે તેમના પાકિસ્તાની મૂળના સાંસદોને કાશ્મીરનો મુદ્દો બનાવવાની મંજૂરી આપી નથી.
આ મુદ્દો સમજી ગયા હોય તેમ સ્ટાર્મરે કહ્યું હતું કે “મેં જે અભિગમ અપનાવ્યો છે, તે ગંભીર, વ્યવહારિક, આદરણીય અને યુકે તરીકે આપણા રાષ્ટ્રીય હિત પર કેન્દ્રિત છે, પરંતુ પ્રદર્શનકારી રાજકારણ ટાળવું, દર પાંચ મિનિટે મીડિયા પાસે દોડીને આપણા સાથીઓ વિશે ફરિયાદ કરવાનું ટાળવું, અને વાસ્તવમાં જેમનો હું આદર કરું છું તેમની સાથે શાંતિથી કામ કરવું એ મારા રાજદ્વારીમાં નિષ્ફળ ગયેલા પુરોગામીઓ કરતાં રાજકારણ કરવાનો વધુ સારો રસ્તો છે. ઘણા વર્ષોથી, ઘણી સરકારો ભારત સાથેનો આ સોદો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પણ અમે તે સોદો મેળવવામાં સફળ રહ્યા છીએ. બંને દેશો જોઈ શકે છે કે આ સોદો હાલમાં તેમના ફાયદામાં છે, અને તે એકલા નથી. મારા પુરોગામીઓ દ્વારા ઘણા વર્ષોથી યુએસ સાથે સોદો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ અમે તે કરી શક્યા છીએ. અમે EU-UK સમિટમાં EU સાથેના સંબંધોમાં એટલા નજીક આવ્યા નથી જેટલા અમે હતા. મને લાગે છે કે તે એક પ્રકારની શાંત, ગંભીર, વ્યવહારિક રાજદ્વારીતાને પ્રતિબિંબિત કરે છે જે મારા પુરોગામીઓના નાટકો, પ્રદર્શન અને મીડિયામાં સતત દોડધામ કરતા છોડી દે છે.”
સ્ટાર્મર સંમત થયા હતા કે તેમણે મોદી સાથે સારો વ્યક્તિગત સંબંધ સ્થાપિત કર્યો છે. તેમણે કહ્યું હતું કે “હા, અમે ખૂબ સારી રીતે મળીએ છીએ, ઘણી વખત વાતો કરી છે, અને મને આશા છે કે તમે જોઈ શકશો કે અમારી વચ્ચે પરસ્પર આદર અને હૂંફ છે. આ બે ખુરશીઓમાં બેસીને, ખાનગીમાં વાત કરીને તેને બમણું કર્યું છે. પૂર્વ વડા પ્રધાન લોર્ડ પામર્સ્ટને કોમન્સમાં કહ્યું હતું કે “આપણા કોઈ શાશ્વત સાથી નથી, અને કોઈ શાશ્વત દુશ્મન નથી. આપણા હિતો શાશ્વત છે અને તેનું પાલન કરવું એ અમારું કર્તવ્ય છે.”
ચેકર્સ ખાતે, મોદીએ સ્ટાર્મરને ભારતની મુલાકાત લેવા માટેનું ફરીથી આમંત્રણ આપ્યું હતું.
ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાત સ્ટાર્મરની મુલાકાત લેનાર બ્રિટનનું એકમાત્ર એશિયન પ્રિન્ટ મીડિયા
આપના લોકપ્રિય સાપ્તાહિકો ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાત પોતાના તટસ્થ, ભરોસાપાત્ર અને આદરપાત્ર પ્રકાશનો તરીકે બ્રિટીશ સરકાર અને લોકોમાં લોકપ્રિય બન્યા છે. જેને કારણે ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાત વડા પ્રધાન કેર ર્સ્ટાર્મરની મુલાકાત લેનાર બ્રિટનનું એકમાત્ર એશિયન પ્રિન્ટ મીડિયા હતું. અમારા પ્રતિનિધીઓને બે વડા પ્રધાનો અને વેપાર પ્રધાનો વચ્ચેના FTA પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમ – બેઠકોમાં એક્સક્લુસિવ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
