તુર્કીના ઈસ્તાંબુલ શહેરમાં બુધવારના રોજ એક પ્રવાસી વિમાન એરપોર્ટ પર ઉતરતી વખતે સ્લીપ થઈ જતા મોટી દુર્ઘટના ઘટી છે. દુર્ઘટના સમયે વિમાનમાં 177 પ્રવાસીઓ સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ત્રણ પ્રવાસીઓના મોત નિપજ્યા છે જ્યારે 120 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ય જાણકારી પ્રમાણે વિમાન ઈજમિર શહેરના એજિયનથી ખરાબ વાતાવરણમાં ઈસ્તાંબુલના સાહિબા ગોકચેન એરપોર્ટ પર ઉતર્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનને ભારે નુકશાન પહોંચ્યું છે. વિમાનની અંદરની અને બહારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દુર્ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ વિમાન તુર્કીના પેગેસસ એરલાઈન્સનું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં 177 પ્રવાસીઓ અને છ ક્રૂ મેમ્બર્સ સવાર હતા.