પ્રતિક તસવીર

બ્રિટનમાં એપ્રિલ માસમાં કોવિડ-19ના કારણે લૉકડાઉન તેની તિવ્રતા પર હતું ત્યારે ટીવી અને ઑનલાઇન વિડિઓ જોવા માટે લોકોએ પોતાના દિવસનો 40% સમય તેના પાછળ ખર્ચ કર્યો હતો. જેમાં નેટફ્લિક્સ, ડિઝની પ્લસ અને એમેઝોન પ્રાઇમ વિડિઓ જેવી સ્ટ્રીમિંગ સેવાઓ પાછળ બમણા કરતા વધુ સમય ફાળવ્યો હતો એમ નિયામક ઓફકોમ જણાવ્યું હતું.

પુખ્ત વયના લોકો, જેમને સરકાર દ્વારા માર્ચના અંતમાં ઘરે રહેવાની સલાહ આપવામાં આવી હતી તેમણે સમાચાર જોવા અને મનોરંજન માટે રોજના સરેરાશ છ કલાક અને 25 મિનિટનો સમય વાપર્યો હતો. ઑફકોમે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાના સમાન સમય કરતા આ વધારો લગભગ ત્રીજા ભાગનો હતો.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તા. 10 મેએ લોકડાઉન પગલા હળવા કરવાની જાહેરાત કરી તે અત્યાર સુધીનો સૌથી વધુ જોવાયેલ કાર્યક્રમ હતો, જેને 18.7 મિલિયન દર્શકોએ જોયો હતો. જ્યારે 23 માર્ચે લોકડાઉન લાદવામાં આવ્યુ તે જાહેરાતને 14.6 મિલિયન લોકોએ જોઇ હતી અને તે બીજા ક્રમે હતો. જ્યારે મહારાણી એલિઝાબેથનું રાષ્ટ્રજોગ પ્રવચનનું પ્રસારણ 14 મિલિયન દર્શકો સાથે ત્રીજા ક્રમે હતું.

લૉકડાઉનનાં પહેલા અઠવાડિયામાં અંદાજે 12 મિલિયન લોકોએ નવી વિડીયો સ્ટ્રીમિંગ સેવા માટે સાઇન અપ કર્યું હતું, જેમાંથી 3 મિલિયન તો નવા હતા.