ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ (ફાઇલ ફોટો) (Photo BY EMMANUEL DUNAND/AFP via Getty Images)

ભારતના નવા આઇટી નિયમોના પાલન અંગે સરકાર અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ વચ્ચે વિવાદ ચાલે છે ત્યારે ટ્વીટરે શનિવારે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘણા નેતાઓનાં પર્સનલ ટ્વીટર એકાઉન્ટ પરથી બ્લુ ટિક દૂર કરતાં મોટો વિવાદ ઊભો થયો હતો. જોકે વિવાદ વકરતાં ટ્વીટરે ગણતરીના સમયગાળામાં નાયડુના એકાઉન્ટને ફરીથી વેરિફાય કરી દીધું હતું. ટ્વીટરે RSSના વડા મોહન ભાગવતના એકાઉન્ટમાંથી પણ બ્લુ ટિક દૂર કરી દીધું હતું.

ઉપરાષ્ટ્રપતિના એકાઉન્ટને 11 લાખ લોકો ફોલો કરે છે. આ એકાઉન્ટથી છેલ્લાં 11 મહિનાથી એકપણ ટ્વીટ થયું ન હતું. જોકે ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયના ઓફિશિયલ હેન્ડલ પર પહેલેથી જ ટિક લગાડવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, નાયડુનું એકાઉન્ટ ગયા મહિને એક્ટિવ નહોતું, તેનાથી હેન્ડલને અનવેરિફાય કરાયું હતું.
મોહન ભાગવતની પહેલા ટ્વીટરે RSSના ઘણા નેતાઓનાં એકાઉન્ટને પણ અનવેરિફાય કર્યા હતા, જેમાં અરુણ કુમાર, ભૈયાજી જોશી અને સુરેશ જાની જેવાં દિગ્ગજ નામ પણ સામેલ છે. ઉપરાષ્ટ્રપતિ બાદ મોહન ભાગવત સહિત RSSના અન્ય નેતાઓના ટ્વિટર એકાઉન્ટ પર બ્લૂ ટિકને રિસ્ટોર કર્યા હતા.

આઇટી મંત્રાલય ટ્વિટરની એકપક્ષી કાર્યવાહીથી નારાજ હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલયનું માનવું છે કે દેશની નંબર -2 ઓથોરિટીની વ્યક્તિ સાથે આવી કાર્યવાહી કરી શકાતી નથી. આની પાછળ ટ્વિટરનો આશય ખોટો છે. આ મામલે ટ્વિટરની દલીલ પણ સાવ ખોટી છે.ટ્વીટરના નિયમો મુજબ બ્લુ વેરિફાઇ્ડ બેડ્જ (બ્લુ ટિક)નો અર્થ એ છે કે એકાઉન્ટ લોકોના હિતમાં અને વાસ્તવિક છે. આ નિશાની મેળવવા માટે એક્ટિવ ટ્વીટર એકાઉન્ટ હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.