પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારે બુધવારે ટ્વીટરને ચેતવણી આપી હતી કે જો તે સરકારના આદેશનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી થશે. સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે સોસિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરે તેનો આદેશ હોવા છતાં ખેડૂતોના આંદોલન સંબંધિત વાંધાજનક હેશટેગ સંબંધિત એકાઉન્ટ અને ટ્વીટને એકપક્ષીય રીતે અનબ્લોક કર્યા હતા.

‘farmer genocide’ હેશટેગ સાથેના આશરે 250 એકાઉન્ટને સોમવારે બ્લોક કરવામાં આવ્યા હતા. જોકે થોડા કલાકોમાં આ એકાઉન્ટને અનબ્લોક કરવામાં આવ્યા હતા. ટ્વીટર પર ModiPlanningFarmerGenocide હેશગેટ ચલાવવામાં આવ્યો હતો. સરકારે ટ્વીટરને આવા એકાઉન્ટ પર કાર્યવાહી કરવા માટે કહ્યું હતું, પરંતુ ટ્વીટર પોતે જ આવા એકાઉન્ટને અનબ્લોક કરી દીધા હતા. સરકારની નોટિસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો હવાલો આપતાં કહેવામાં આવ્યું છે કે, ટ્વીટર કોર્ટની જેમ નિર્ણય કરી શકતું નથી.

ઉલ્લેખનીય છે કે, ગણતંત્ર દિવસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા થઇ હતી. સરકારના આવા એકાઉન્ટને બ્લોક કરવાના આદેશ છતાં ટ્વિટરે તેને અનબ્લોક કર્યા હતા. સરકારની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ટ્વિટર એક મધ્યસ્થ છે અને સરકારના સૂચનોનું પાલન કરવા માટે બંધાયેલ છે. જો તે આ અંગે ઇનકાર કરશે તો તેની પર કાર્યવાહી કરી શકાય છે.