ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકરે તથા અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોઇડ ઓસ્ટિન અને વિદેશ પ્રધાન ટોની બ્લિન્કેન (ANI Photo/ PIB)

અમેરિકાએ યુએન સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં ભારતના કાયમી સભ્યપદને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દોહરાવી છે. ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં પણ બાઇડન સરકાર નવી દિલ્હીની એન્ટ્રીને સમર્થન આપે છે. અમેરિકાએ યુએનની 15 સભ્યોની સર્વોચ્ચ નિર્ણાયક સંસ્થાના સભ્ય તરીકે ભારતના નોંધપાત્ર યોગદાનની પ્રશંસા કરી છે.

વોશિંગ્ટનમાં ભારત-અમેરિકા વચ્ચેની 2+2 પ્રધાનસ્તરીય મંત્રણા બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે પ્રધાનોએ UNSC અને આંતરરાષ્ટ્રી સંગઠનોમાં ગાઢ સહકાર સાથે કામગીરી કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. અમેરિકાએ UNSCમાં ભારતના કાયમી સભ્યપદ માટે તથા ન્યુક્લિયર સપ્લાય ગ્રૂપમાં ભારતની એન્ટ્રી માટે તેનો ટેકો ચાલુ રાખવાની ફરી પ્રતિબદ્ધતા આપી હતી.

બંને દેશો વચ્ચેની 2+2 પ્રધાનસ્તરીય મંત્રણામાં ભારતના પ્રતિનિધિમંડળની આગેવાની સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકરે લીધી હતી, જ્યારે અમેરિકાના પ્રતિનિધિમંડળની આગેવાની તેના સંરક્ષણ પ્રધાન લોઇડ ઓસ્ટિન અને વિદેશ પ્રધાન ટોની બ્લિન્કેને લીધી હતી.

સાઇબર એટેકને પગલે રાષ્ટ્રીય સુરક્ષા સામે વધતા જતાં જોખમોને ધ્યાનમાં રાખીને પ્રધાનોએ સુરક્ષિત અને વિશ્વસનીય ઇન્ટરનેટ અને સાઇબરસ્પેસના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

એનએસજી 48 દેશોનું એક એલાઇટ ગ્રૂપ છે, જેના સભ્યોને ન્યુક્લિયર ટેકનોલોજી અને બીજા મટેરિયલ મળી શકે છે. ભારત ઘણા સમયથી આ ગ્રૂપના સભ્ય થવા માટે પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ચીન તેનો વિરોધ કરી રહ્યું છે. ચીનની દલીલ છે કે ભારત અણુ બિનપ્રસાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા નથી. ચીનના વિરોધથી ભારત માટે આ ગ્રૂપનું સભ્ય બનવાનું મુશ્કેલ બન્યું છે, કારણ કે એનએસજી સર્વસંમતીના સિદ્ધાંત પર ચાલે છે.