ઇન્ડિયન પ્રીમિયમર લીગને રવિવાર 18 ઓક્ટોબર 2020ની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીની ઇશાન કિશાનની આ તસવીર છે. (PTI Photo/Sportzpics for BCCI)

સંયુક્ત આરબ અમિરાતમાં રમાઈ રહેલી આઈપીએલ 2020માં રવિવારનો દિવસ જબરજસ્ત સ્પર્ધા અને ઉત્તેજના, રોમાંચનો રહ્યો. દિવસની બન્ને મેચ રેગ્યુલર સમયના અંતે ટાઈ રહી હતી અને સુપર ઓવરમાં ગઈ હતી, તેમાં પણ મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચેની બીજી મેચમાં તો પહેલી સુપર ઓવર પણ ટાઈ રહેતા બીજી સુપર ઓવરમાં મેચ ગઈ હતી અને તેમાં નાટ્યાત્મક રીતે કિંગ્સ ઈલેવન પંજાબનો વિજય થયો હતો.

બે સુપર ઓવર રમવી પડી હોય તેવી આ સમગ્ર કિક્રેટ ઈતિહાસની આ સૌપ્રથમ મેચ રહી હતી. પ્રથમ સુપર ઓવરમાં બંન્ને ટીમ પાંચ-પાંચ રન જ કરી શકી હતી. બીજી સુપર ઓવરમાં મુંબઈએ 11 રન કર્યા હતા. જો કે, આ ઓવરનો છેલ્લો બોલ ટર્નિંગ પોઈન્ટ બની રહ્યો હતો. પોલાર્ડે જોરદાર સ્ટ્રોક માર્યો હતો, જે લગભગ નિશ્ચિત છગ્ગો હતો, પણ મયંક અગ્રવાલે શાનદાર ફિલ્ડિંગ વડે કેચ ઝડપી લીધો હતો. એમ કરવામાં એ પોતે બાઉન્ડ્રી બહાર નિકળી ગયો હોવાથી તેણે બોલ અંદર ફેંકી દીધો હતો, જે પછી બીજા ફિલ્ડરે પરત કરતાં એ બોલે ફક્ત બે રન બેટ્સમેનને મળ્યા હતા. આ રીતે ચાર રન મયંક અગ્રવાલે બચાવ્યા હતા. પંજાબ માટે વિજયનો 12 રનનો ટાર્ગેટ આવ્યો હતો. ક્રિસ ગેઈલે પહેલા જ બોલે છગ્ગો ફટકાર્યો હતો, તે પછી એક રન લીધો હતો. મયંક અગ્રવાલે ત્રીજા અને ચોથા બોલે સતત બે ચોગ્ગા ફટકારી પંજાબ માટે મહત્ત્વનો વિજય પ્રાપ્ત કર્યો હતો.