કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કિંજરાપુ રામમોહન નાયડુના હસ્તે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર ભારતનું પ્રથમ ખાનગી ‘ઉડાન યાત્રી કાફે’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કાફે દેશના એરપોર્ટ પરનું પ્રથમ ખાનગી કાફે છે.
આ પ્રસંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કિંજરાપુ રામમોહન નાયડુએ કહ્યુ કે, મુસાફરોને પોકેટ-ફ્રેન્ડલી દરે સારી ગુણવત્તાયુક્ત ભોજન પ્રદાન કરવા માટે એરપોર્ટ પર ‘ઉડાન યાત્રી કાફે’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આનાથી મુસાફરોના મુસાફરીના અનુભવમાં વધારો થશે એટલું જ નહીં પરંતુ દેશના આર્થિક વિકાસને પણ વેગ મળશે. ‘ઉડાન યાત્રી કાફે’ યોજના રેલ્વે સ્ટેશનો જેવા પોસાય તેવા ભાવે ચા, કોફી અને નાસ્તો જેવી આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડશે. આવનારા સમયમાં તબક્કાવાર દેશના વિવિધ એરપોર્ટ પર પણ ‘ઉડાન યાત્રી કાફે’નો પ્રારંભ થશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, દેશભરના એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં આ મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન છે. ટર્મિનલ ૧ના ચેક-ઇન હોલમાં સ્થિત ‘નવું ઉડાન યાત્રી કાફે મુસાફરોને ૧૦ રૂપિયાથી શરૂ થતા નાસ્તાની સુવિધા પ્રદાન કરશે. ‘ઉડાન યાત્રી કાફે’નો ઉદ્દેશ્ય મુસાફરોને એરપોર્ટ પર ભોજન વધુ સસ્તું બનાવવા વાજબી ભાવે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે. કાફેનો પ્રારંભ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે.
ઉડાન યાત્રી કાફેના લોન્ચ સાથે અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ હવે મુસાફરીને વધુ સંતોષકારક બનાવવા સાથે વાજબી ભાવે ઉચ્ચ-ગુણવત્તાવાળા નાસ્તાનો આનંદ માણી શકે છે.

LEAVE A REPLY