યુકે સરકાર ક્રિસમસ બાદ આ મહિનાના અંત ભાગમાં બે સપ્તાહના ટૂંકા સર્કિટ બ્રેકર લોકડાઉનની યોજના ઘડી રહી હોવાનું માનવામાં આવે છે. ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી આ તૈયારી ચાલુ કરવામાં આવી છે.
મીડિયા અહેવાલમાં જણાવ્યા મુજબ નિયમોનો મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે. નોકરીના હેતુ સિવાયની ઇન્ડોર હાઉસહોલ્ડ મીટિંગ પર પ્રતિબંધ તથા પબ્સ અને રેસ્ટોરામાં માત્ર આઉટડોર સર્વિસની પરવાનગીનો સમાવેશ થાય છે. યુકેમાં શુક્રવારે કોરોનાના 93,045 કેસો નોંધાયા હતા, જે ગુરુવારના 88,376ના અગાઉના રેકોર્ડ કરતાં 4,669 વધુ કેસ છે.

ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સમક્ષ પ્લાન-સી હેઠળ વિવિધ વિકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. આ વિકલ્પોમાં લોકોને ગાઇડન્સથી લઇને લોકડાઉન સુધીના પગલાંનો ઉલ્લેખ છે.
સરકારના સાયન્ટિફિક એડવાઇઝરી ગ્રૂપ ફોર ઇમર્જન્સીની લીક થયેલી કાર્યનોંધમાં બહાર આવ્યું છે કે વૈજ્ઞાનિકોએ પ્રધાનને ચેતવણી આપી છે કે નેશનલ હેલ્થ સર્વિસ માટે હોસ્પિટલાઇઝેશનના અંકુશ હેઠળ રાખવા માટે ટૂંક સમયમાં આકરા પગલાંની જરૂર પડી શકે છે.