બ્રિટનની ટેલિકોમ કંપની બીટી ગ્રૂપ માટે ઓફર કરવાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિચારણા કરી રહી છે તેવા અહેવાલને મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નકારી કાઢ્યા હતા. રિલાયન્સે શેરબજારોને આપેલી નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે “અમે યુકેના ટેલિકોમ ગ્રૂપ બીટી માટેની બિડના ઇરાદાને સ્પષ્ટપણે નકારી કાઢીએ છીએ. આ અહેવાલ સંપૂર્ણપણે અટકળ આધારિત અને તથ્ય વગરનો છે.”
અગાઉ ઇકોનોમિક ટાઇમ્સે સૂત્રોને ટાંકીને સોમવારે, 29 નવેમ્બરે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની બીટી ગ્રૂપને ખરીદવા અથવા તેનો બહુમતી હિસ્સો મેળવવા માટે અનસોલિસિટેડ ઓફર મૂકે તેવી શક્યતા છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર રિલાયન્સ બીટી ગ્રૂપના ફાઇબર ઓપ્ટિક એકમ ઓપનરીચના ભાગીદાર બનવાની અને તેના વિસ્તરણ માટે ફંડિગ કરવાની પણ દરખાસ્ત કરી શકે છે.
વિશ્વના સૌથી મોટા ટેલિકોમ માર્કેટમાં સ્થાન ધરાવતા ભારતના ટેલિકોમ માર્કેટમાં અંબાણીની આગેવાની હેઠળની જિયો ઇન્ફોકોમની એન્ટ્રીથી ગળાકાપ સ્પર્ધા ચાલુ થઈ હતી. કંપનીએ 2016માં ફ્રી વોઇસ કોલ અને નીચા ભાવે ડેટા પ્લાન ઓફર કર્યા હતા. અંબાણીની એન્ટ્રીથી ભારતમાં ઘણી ટેલિકોમ કંપનીઓ માર્કેટની બહાર થઈ ગઈ હતી. બ્રિટનના વોડાફોન ગ્રૂપના ભારત ખાતેના એકમ વોડાફોન ઇન્ડિયા માટે પણ માર્કેટમાં ટકી રહેવાનું મુશ્કેલ બન્યું હતું. તેનાથી વોડાફોન અને ભારતની આઇડિયાનું મર્જર થયું હતું.













