પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

બ્રિટને સોસિયલ કેર વર્કર્સ, કેર આસિસ્ટન્ટ અને હોમ કેર વર્કર્સ માટે વિઝાના નિયમોને હળવા બનાવ્યા છે. કોરોના મહામારીને કારણે આ ક્ષેત્રમાં કામદારોની ભારે અછત સર્જાઈ છે અને તેથી વિઝા નિયમોને હળવા બનાવીને વિદેશી કામદારો લાવવાની યોજના છે. હવે આવા કેર વર્કર્સને 12 મહિના માટે સરળતાથી યુકે હેલ્થ એન્ડ કેર વિઝા મળી શકશે.

યુકે સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે સોસિયલ કેર વર્કફોર્સમાં વધારો કરવા માટે સેંકડો વધારાના કેર વર્કર્સની ભરતી કરી શકાશે. સ્કીમના નિયમોમાં હંગામી ફેરફારથી સોસિયલ કેસ કંપનીઓ ઝડપથી, સસ્તા અને સરળ રીતે સામાજિક સંભાળ કામદારોને ભરતી કરી શકશે. આવા કામદારોમાં સરકાર સમર્થિત કેર હોમ તથા વૃદ્ધ અને અશક્ત લોકો દ્વારા રાખવામાં આવેલા સંભાળ સહાયકોનો સમાવેશ થાય છે.

ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે કેર સેક્ટરમાં મહામારીને કારણે અસાધારણ પડકારો ઊભા થયા છે અને હેલ્થ એડ કેસ વિઝા સ્કીમના નિયમોમાં ફેરફારથી માનવબળમાં વધારો થશે અને હાલનું દબાણ હળવું કરવામાં મદદ મળશે. આ ઇમિગ્રેશન માટેની અમારી નવી યોજના છે. તેનાથી હેલ્થ પ્રોફેશનલ માટે યુકેમાં રહેવાનું અને નોકરી કરવાનું સરળ બનશે.

કેર વર્કર્સ અને હોમ કેર વર્કરને હેલ્થ એન્ડ કેસ વિઝા માટે પાત્ર ગણવાની યુકેની માઇગ્રેશન એડવાઇઝરી કમિટીની ભલામણને પગલે આ નિયમો હળવા બનાવવામાં આવ્યા છે. આ કામદારોને હવે શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટ (SOL)માં સામેલ કરાયા છે. SOL યાદીના કામદારોને વાર્ષિક લઘુતમ 20,480 પાઉન્ડ સેલરી મળે છે. બ્રેક્ઝિટ પછી યુરોપના સોસિયલ કેર વર્કર્સ યુકેમાં નોકરી માટે આપોઆપ પાત્રતા મેળવી શકતા નથી અને તેમને બીજા દેશોની જેમ વિઝા માટે અરજી કરવી પડે છે. આરોગ્ય અને સામાજિક સંભાળ વિભાગે જણાવ્યું હતું કે કુશળ કામદારોને સ્પોન્સર કરવાનું લાઇસન્સ ન ધરાવતા સોસિયલ કેર પ્રોવાઇડર્સ આગામી સ્પોન્સરશીપ લાઇસન્સ માટે અરજી કરી શકે છે.