ભારતીય મૂળના ચાન્સેલર ઋષી સુનકે બ્રિટનની વૈવિધ્યતાને ઉજવવા માટે યુકેના ચલણી સિક્કાઓ પર ઇતિહાસના પ્રભાવશાળી શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય જૂથ (BAME)ના ચહેરાઓને મૂકવાની દરખાસ્ત મૂકી હોવાના અહેવાલ છે.

‘ધ સન્ડે ટેલિગ્રાફ’ દૈનિકના અહેવાલ મુજબ ચાન્સેલર સુનકે કેટલીક દરખાસ્તો પર કામ કરવા માટે રોયલ મિન્ટ સમક્ષ યોજનાઓ રજૂ કરી છે. “સર્વિસ ટુ ધ નેશન” શીર્ષકવાળા આ સિક્કાઓની શ્રેણી પર બ્રિટન માટે બીજા વિશ્વ યુદ્ધ વખતે જાસૂસી કરનાર પ્રથમ ભારતીય મૂળના નૂર ઇનાયત ખાન, બ્રિટિશ ભારતીય સૈન્યના પ્રથમ સૈનિક અને પ્રતિષ્ઠિત વિક્ટોરિયા ક્રોસ મેડલ મેળવનાર ખુદાદાદ ખાન અને અન્યનો સમાવેશ થાય છે.

આ અભિયાન પાછળ ભારતીય મૂળના કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર ઝેહરા ઝૈદાએ સુનકને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે “આ થીમ લોકોને એક કરશે. રાષ્ટ્ર રોગચાળા દ્વારા એક થયુ છે અને આપણી હેલ્થ કેર સેવાઓમાં વંશીય લઘુમતી કર્મચારીઓના શૌર્યપૂર્ણ કાર્યને સામૂહિક રૂપે માન્યતા આપી રહ્યું છે ત્યારે દેશના BAME જૂથોનું યોગદાન મૂલ્યવાન છે તે દર્શાવવા માટેની બીજી તક ગુમાવશે નહીં.”

યુકેના ટ્રેઝરી મિનીસ્ટર જ્હોન ગ્લેને ‘ધ સન્ડે ટેલિગ્રાફ’ને કહ્યું હતું કે ‘’સુનક સમયસરની દરખાસ્તને સમર્થન આપવા માટે ઉત્સુક છે અને ઝેહરાના પત્ર ઉપર વિચાર કરી રહ્યા છે અને યોગ્ય જવાબ આપી શકશે. અમે દેખીતી રીતે સમર્થક છીએ અને આ અંગે સકારાત્મક રહેવા આતુર છીએ. અમને રોયલ મિંટ તરફથી કેટલીક નક્કર દરખાસ્તો મળે તે જરૂરી છે પરંતુ અમે આમ કરવા આતુર છીએ.”

ઝેહરાના આ અભિયાનને ‘સ્પાય પ્રિન્સેસ: ધ લાઇફ ઑફ નૂર ઇનાયત ખાન’ના લેખક શરબાની બાસુ અને કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ટોમ ટુગેનધાત અને ગ્રીન પાર્ટીના સાંસદ કેરોલાઇન લુકાસ સહિતના ઘણા ઇતિહાસકારોએ ટેકો આપ્યો છે.