
છેલ્લા છ મહિનામાં વ્યાપક વાટાઘાટો બાદ બ્રિટનના અર્થતંત્રને વધારવા, બ્રિટિશ નોકરીઓ પાછી મેળવવા અને લોકોના ખિસ્સામાં વધુ પૈસા મૂકવા યુરોપિયન યુનિયન (EU) સાથે તા. 18ને રવિવારે નવો વેપાર કરાર કરાયો હોવાની વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે જાહેરાત કરી છે. યુએસ અને ભારત પછી ત્રીજો મોટો કરાર કરાયો છે.
યુકેએ 2020માં સત્તાવાર રીતે EU છોડ્યા પછી અને બ્રેક્ઝિટ પર વર્ષોના મતભેદો પછી આ સૌથી મોટો કરાર છે. આ કરાર થકી પેકેજ ફૂડ સસ્તુ બનાવવામાં, લાલ ફિતાશાહી દૂર કરવામાં, EUના બજારમાં પ્રવેશ ખોલવામાં અને 2040 સુધીમાં યુકેના અર્થતંત્રમાં લગભગ £9 બિલિયન ઉમેરવામાં મદદ મળશે.
સોમવારે લંડનમાં યોજાયેલી સમીટ માટે આવેલા યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને ન્યૂઝ કોન્ફરન્સમાં સમિટને “ઐતિહાસિક ક્ષણ” ગણાવી કહ્યું હતું કે ‘’આ ફક્ત સર કેરના નેતૃત્વને કારણે શક્ય બન્યું હતું. અમે અમારા સંબંધોમાં એક નવો અધ્યાય ખોલી રહ્યા છીએ. વૈશ્વિક અસ્થિરતાના સમયે આ સોદો યુકે અને અમારા સમગ્ર યુનિયનમાં લોકો માટે ખરેખર ફરક લાવશે.”
આ કરારને ‘નોકરીઓ, બિલ્સ અને આપણી સરહદો માટે સારો’ કરાર ગણાવતા વડા પ્રધાન કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’આ સમય આગળ જોવાનો છે. જૂની ચર્ચાઓ અને રાજકીય લડાઈઓથી આગળ વધીને બ્રિટિશ લોકો માટે શ્રેષ્ઠ સામાન્ય સમજ અને વ્યવહારુ ઉકેલો શોધવાનો છે. યુકેમાં જનતાના જીવનને સુધારવા આપણે ભાગીદારો સાથે કામ કરવા તૈયાર છીએ. આપણે પસંદ કરેલા સંબંધો, આપણે પસંદ કરેલા ભાગીદારો સાથે, અને રાષ્ટ્રીય હિતમાં સોદા પૂર્ણ કરવાનો છે.
સ્ટાર્મર કહ્યું હતું કે “સીક્યુરીટી એન્ડ ડીફેન્સ પાર્ટનરશીપ કરાર યુકેના સંરક્ષણ ઉદ્યોગને EU ના પ્રસ્તાવિત નવા £150 બિલિયન સિક્યુરિટી એક્શન ફોર યુરોપ (SAFE) સંરક્ષણ ભંડોળમાં ભાગ લેવાનો માર્ગ મોકળો કરશે જે હજારો બ્રિટિશ નોકરીઓને ટેકો આપશે અને વૃદ્ધિને વેગ આપશે.’’
આ કરારના ભાગ રૂપે, એક નવો SPS કરાર કરવામાં આવશે જે બિઝનેસીસ પર બોજ નાખતી અને સરહદ પર લૉરીઝની લાંબી લાઇનો લગાવતી લાલ ફિતાશાહીને ઘટાડશે. જેથી ખાદ્યપદાર્થો અને પીણાંની આયાત અને નિકાસ કરવાનું સરળ બનશે. આ કરારમાં કોઈ સમય મર્યાદા રહેશે નહીં, જે બિઝનેસીસને મહત્વપૂર્ણ ખાતરી આપશે.
પ્રાણીઓ અને વનસ્પતિ ઉત્પાદનો પરની કેટલીક નિયમિત તપાસ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે, જેનાથી ગ્રેટ બ્રિટન અને નોર્ધર્ન આયર્લેન્ડ સહિત માલ ફરીથી મુક્તપણે વહેવા લાગશે અને ખાદ્યપદાર્થોના ભાવ ઘટશે તથા સુપરમાર્કેટમાં મનપસંદ સામગ્રી મળશે.
EU યુકેનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. પણ બ્રેક્ઝિટ પછી નિકાસમાં 21% ઘટાડો અને આયાતમાં 7%નો ઘટાડો થયા પછી, યુકે બર્ગર અને સોસેજ જેવા વિવિધ ઉત્પાદનો ફરીથી EUમાં વેચી શકશે, જે આ મહત્વપૂર્ણ બ્રિટિશ ઉદ્યોગોને ટેકો આપશે. બ્રિટિશ સ્ટીલની નિકાસને નવા EU નિયમો અને પ્રતિબંધિત ટેરિફથી સુરક્ષિત કરવામાં આવી છે અને યુકે માટે એક બેસ્પોક વ્યવસ્થા દ્વારા યુકે સ્ટીલના દર વર્ષે £25 મિલિયન બચાવશે.
યુકે ડીએનએ, ફિંગરપ્રિન્ટ અને વાહન નોંધણીના ડેટા માટેની હાલની વ્યવસ્થાઓ ઉપરાંત, પ્રથમ વખત EU ફેસીયલ ઇમેજ ડેટાની ઍક્સેસ વિશે વાટાઘાટોમાં પ્રવેશ કરશે. આ ડીલ ખતરનાક ગુનેગારોને પકડવાની અને તેમને વધુ ઝડપથી સજા કરાવવાની ક્ષમતામાં વધારો કરશે.
આપણી સંબંધિત એમિઝન્સ ટ્રેડિંગ સિસ્ટમ્સને જોડીને ગાઢ સહયોગ કરવાથી યુકેની ઉર્જા સુરક્ષામાં સુધારો થશે અને આવતા વર્ષે આવનારા EUના કાર્બન ટેક્સથી બિઝનેસીસને ફટકો પડતો અટકાવી શકાશે. સંયુક્ત રીતે, SPS અને એમિઝન્સ ટ્રેડિંગ સિસ્ટમ્સને જોડતા પગલાં 2040 સુધીમાં યુકેના અર્થતંત્રમાં લગભગ £9 બિલિયન ઉમેરશે. જે વૃદ્ધિને મોટો વેગ આપશે.
એક કસ્ટમાઇઝ્ડ વ્યવસ્થા દ્વારા બ્રિટિશ સ્ટીલ નિકાસને નવા EU નિયમો અને પ્રતિબંધિત ટેરિફથી સુરક્ષિત કરવામાં આવશે અને તેને પગલે યુકે સ્ટીલ દર વર્ષે £25 મિલિયન બચાવશે.
આ કરારથી બ્રિટિશ નાગરીકો યુરોપમાં વધુ ઇગેટ્સનો ઉપયોગ કરી શકશે અને લાંબી લાઇનોમાંથી બચી જશે. યુકે બિલાડીઓ અને કૂતરાઓ માટે ‘પાલતુ પાસપોર્ટ’ રજૂ કરશે જેથી તેઓ પણ વધુ સરળતાથી મુસાફરી કરી શકશે.
યુકે ડીએનએ, ફિંગરપ્રિન્ટ અને વાહન નોંધણીનો ડેટા માટેની હાલની વ્યવસ્થા ઉપરાંત, પ્રથમ વખત EU સાથે વ્યક્તિઓના ફોટાના ડેટાના ઍક્સેસ અંગે વાટાઘાટો કરશે. જે ખતરનાક ગુનેગારોને પકડવાની અને તેમને કોર્ટના કઠેરામાં ઉભા કરવાની યુકેની ક્ષમતામાં વધારો કરશે.
વૈશ્વિક અનિશ્ચિતતા અને અસ્થિરતામાં વધારો થઇ રહ્યો છે ત્યારે આ કરાર યુરોપની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંરક્ષણ પર UK-EU સહયોગને ઔપચારિક બનાવશે.
વડા પ્રધાન સ્પષ્ટ છે કે ઇમીગ્રેશન ઘટાડવું તેમના માટે એક સંપૂર્ણ પ્રાથમિકતા છે, તેથી જ આજના કરારમાં ગેરકાયદેસર સ્થળાંતરને રોકવા માટે ઉકેલો શોધવા પર વધુ કાર્ય કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં માઇગ્રન્ટ્સને પાછા કાઢવા અને ચેનલ ક્રોસિંગનો સામનો કરવા માટે સંયુક્ત પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે.
મિનિસ્ટર ફોર યુરોપિયન યુનિયન રિલેશન્સ એન્ડ લીડ ગવર્નમેન્ટ નેગોશિએટરનિક થોમસ-સાયમંડ્સે જણાવ્યું હતું કે ‘’આ ઐતિહાસિક દિવસ છે, જે EU સાથેના આપણાં સંબંધોમાં એક નવા પ્રકરણની શરૂઆત દર્શાવે છે, જે સમગ્ર યુકેમાં કામ કરતા લોકોને સેવા આપશે.’’
યુકે અને ઇયુએ બ્રિટનના માછીમારીના પ્રવેશ, માછીમારીના અધિકારો અને માછીમારીના ક્ષેત્રોનું રક્ષણ કરતા નવા બાર વર્ષના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે.
રિફોર્મ યુકેના નેતા નાઇજેલ ફરાજે જણાવ્યું હતું કે યુરોપિયન બોટ માટે પ્રવેશ અંગેનો 12 વર્ષનો કરાર “માછીમારી ઉદ્યોગનો અંત” હશે.
લિબરલ ડેમોક્રેટ નેતા સર એડ ડેવીએ કહ્યું હતું કે વડા પ્રધાને “રિફોર્મ અને કન્ઝર્વેટિવ પાર્ટીના વિરોધીઓ અને ડાયનાસોરને અવગણવા જોઈએ અને રાષ્ટ્રીય હિતમાં શ્રેષ્ઠ સોદો મેળવવા માટે વધુ મહત્વાકાંક્ષી બનવું જોઈએ”.
કન્ઝર્વેટિવ નેતા કેમી બેડેનોકે જણાવ્યું હતું કે EU ને 12 વર્ષ માટે બ્રિટિશ પાણીમાં પ્રવેશ આપવો “સરકાર ઇચ્છતી હતી તેના કરતા ત્રણ ગણો લાંબો હતો. આપણે ફરી એકવાર બ્રસેલ્સના કહ્યાગરા બની રહ્યા છીએ.”
