બ્રિટનના વિદેશ પ્રધાન એલિઝાબેથ ટ્રુસ ગુરુવાર (31) માર્ચે નવી દિલ્હીમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરને મળ્યા હતા. (ANI Photo/S Jaishankar Twitter)

યુકેના વિદેશ પ્રધાન એલિઝાબેથ ટ્રસે ગુરુવારે ભારતની તેમની મુલાકાત દરમિયાન ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં લીઝ ટ્રસે કહ્યું છે કે,‘યુક્રેન પર રશિયાના આક્રમણે સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રોને વધુ ઘનિષ્ટતા સાથે કાર્ય કરવાના મહત્ત્વને વધાર્યું છે.’ રશિયાના આક્રમણકારી અને ઉગ્ર વલણના વિરોધમાં અને તેના પરની ગ્લોબલ સ્ટ્રેટેજિક નિર્ભરતાને ઘટાડવા NATO અને G7ની બેઠક પહેલા લીઝે પોતાના મહત્ત્વના મંતવ્યો રજૂ કર્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન ભારત સાથે ડિફેન્સ ટ્રેડ, સિક્યોરિટી ટેકનોલોજી અને ડિફેન્સ સંધિઓ જેવા વિષયો પર ચર્ચા કરશે.

ફોરેન સેક્રેટરી લીઝ ટ્રસે કહ્યું હતું કે,‘ભારત અને બ્રિટેન વચ્ચેની ઘનિષ્ટ સંધિઓ ઇન્ડો-પેસિફિક અને વૈશ્વિક સિક્યોરિટીને વેગ આપશે. હાલ જ્યારે રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ કરવામાં આવ્યું છે ત્યારે એ સંદર્ભમાં આ વાતનું મહત્ત્વ વધી જાય છે કે સ્વતંત્ર લોકશાહીઓએ વધુ નજીક આવીને ડિફેન્સ, ટ્રેડ અને સાયબર સિક્યોરિટીના ક્ષેત્રે કામ કરવું જોઇએ.’ ભારતમાં રિન્યૂએબલ એનર્જીને સપોર્ટ કરવા માટે ૭૦ મીલીયન યૂરોનું બ્રિટિશ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટને પણ અંતિમ ઓપ આપવામાં આવશે.