ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા નવી દિલ્હીમાં શુક્રવારે અમેરિકાના ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ માટેના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને મળ્યા હતા. . (ANI Photo)

ભારતની બે દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ માટેના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંહે શુક્રવારે ભારતે આડકતરી ધમકી આપતા જણાવ્યું હતું કે જો ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાનું ફરી ઉલ્લંઘન કરશે તો ભારતે રશિયા પાસેથી તેના બચાવમાં આવવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. દલીપ સિંહના આ નિવેદનની સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રહેલા સૈયદ અકબરુદ્દીને ટીકા કરી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે ‘તો આ અમારો મિત્ર છે. આ કૂટનીતિની ભાષા નથી. તે બળજબરીની ભાષા છે. કોઈ તેમને કહે કે એકપક્ષીય દંડાત્મક પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.

દલીપ સિંઘે ભારતને આડકતરી ચીમકી આપતાં જણાવ્યું છે કે અમેરિકાએ રશિયા પર લાદેલા પ્રતિબંધોને જે દેશો અવગણવાનો પ્રયાસ કરશે તેમણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. અમેરિકા ઇચ્છતું નથી કે, ભારત રશિયા પાસેથી ઇંધણ અને અન્ય કોમોડિટીની આયાતમાં ઝડપી વધારો કરે. અમરિકાના ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપ સિંઘે મોસ્કો અને બેઇજિંગ વચ્ચે ‘નો લિમિટ’ પાર્ટનરશિપને ટાંકીને જણાવ્યું હતું કે, કોઇ એ વાત માનવા તૈયાર નથી કે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરશે તો રશિયા તેના તાત્કાલિક બચાવ માટે ખડે પગે ઊભું રહેશે.

સિંઘે કહ્યું હતું કે, ભારત દ્વારા અત્યારે રશિયાથી કરાતી ઊર્જા સ્રોતોની નિકાસ અમેરિકાના પ્રતિબંધનું ઉલ્લંઘન નથી. કારણ કે અમેરિકાએ આ મુદ્દે રશિયાને પ્રતિબંધમાંથી મુક્તિ આપી છે. જોકે, અમેરિકાએ જણાવ્યું હતું કે, તેના સાથી દેશ અને ભાગીદારોએ આ ‘અવિશ્વાસુ સપ્લાયર’ પર નિર્ભરતા ઘટાડવાના વિકલ્પો શોધવા જોઇએ. અમેરિકાના ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બુધવારે નવી દિલ્હીની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. યુક્રેન મુદ્દે ભારત દ્વારા રશિયાની ટીકા નહીં કરવા બાબતે પશ્ચિમના દેશોમાં વધી રહેલી અકળામણને ધ્યાનમાં રાખીને સિંઘની આ મુલાકાત મહત્વની છે.અમેરિકાના ડેપ્યુટી NSAએ એવા સમયે ભારતને ચેતવણીનું નિવેદન આપ્યું છે જ્યારે રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવરોવ પણ દિલ્હીમાં છે.