હીથરો એરપોર્ટની તસવીર (Photo by DANIEL LEAL-OLIVAS/AFP via Getty Images)
યુકે સરકારે આગામી શુક્રવાર (18 માર્ચ) થી કોરોના મહામારી સંબંધિત બાકીના તમામ ઇન્ટરનેશનલ ટ્રાવેલ નિયંત્રણો ઉઠાવી લેવાની જાહેરાત કરી છે. દેશમાં પ્રવેશતા પહેલા ફરજિયાત પેસેન્જર લોકેટર ફોર્મ ભરવાનો નિયમ પણ હવે અમલમાં રહેશે નહીં.
શુક્રવાર સવારે 4 વાગ્યા (જીએમટી) થી યુકેમાં આવતા ટ્રાવેલર્સે વેક્સિન નહીં લીધી હોય તો પણ ટ્રાવેલ ડિટેઇલ આપવી નહીં પડે અથવા કોરોનાનો પીસીઆર ટેસ્ટ નહીં કરાવવો પડે. વેક્સિન નહીં લીધેલા ટ્રાવેલર્સને પ્રિ-ડિપાર્ચર ટેસ્ટ અને આગમનના બે દિવસ પછીના બીજા ટેસ્ટમાંથી પણ મુક્તિ મળશે.
યુકેના ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે સોમવારે સાંજે જણાવ્યું હતું કે “યુકે કોરોનાના બાકીના ટ્રાવેલ નિયંત્રણો દૂર કરવામાં વિશ્વમાં આગેવાની લઈ રહ્યું છે અને આજની જાહેરાત વેક્સિનેશનના અમલીકરણમાં અને એકબીજાને સુરક્ષા આપવામાં આ દેશના પ્રત્યેક વ્યક્તિએ કરેલા સખત પરિશ્રમનો પુરાવો છે. મેં કહ્યું હતું કે આપણે જરૂરી કરતાં વધુ લાંબો સમય ટ્રાવેલ નિયંત્રણો રાખી શકીએ નહીં. આ વચનનું આજે પાલન થયું છે. તેનાથી ઇસ્ટર હોલિડે પહેલા ટ્રાવેલર્સને વધુ આવકાર્ય ન્યૂઝ અને વધુ સ્વતંત્રતા મળશે. આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ધમધમતું રાખવા હું ટ્રાવેલ ક્ષેત્ર અને વિશ્વભરના ભાગીદારો સાથેની કામગીરી ચાલુ રાખવા માગું છું.”
ઇસ્ટર હોલિડે યુકેમાં લોકપ્રિય હોલિડે પિરિયડ છે અને આ ફેરફારોથી કોઇ વધારાના નિયમોનું પાલન કર્યા વગર પરિવારોને ટ્રાવેલ પ્લાન બનાવવામાં મદદ મળશે.
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવેદે જણાવ્યું હતું કે “આપણે કોરોના સાથે જીવતા શીખી ગયા હોવાથી અમે ઇસ્ટર હોલિડે પહેલા ફરી એકવાર આંતરારાષ્ટ્રીય ટ્રાવેલ ખુલ્લું મુકવાનાં વધુ પગલાં લઈ રહ્યાં છીએ. અમે સંભવિત નવા વેરિયન્ટ બાબતે મોનિટરિંગ અને ટ્રેકિંગ ચાલુ રાખીશું તથા કેટલાંક પગલાં અનામત રાખીશું, જેથી આપણને સુરક્ષિત રાખવા જરૂર પડે તો ઝડપથી તેનો અમલ થઈ શકે. આપણા વેક્સિનેશન પ્રોગ્રામની સફળતાને કારણે આ તમામ આખરી નિયંત્રણો દૂર કરી શકીએ છીએ. યુકેમાં પ્રત્યેક 10માંથી આઠ કરતાં વધુ વ્યક્તિનું વેક્સિનેશન પૂરું થયું છે.”
સત્તાવાર આંકડા મુજબ યુકેમાંથી 86 ટકા વસતિને કોરોના વેક્સિનનો બીજો ડોઝ મળી ગયો છે અને 67 ટકા ટકા વસતિ ત્રીજા ટોપ-અપ બૂસ્ટર ડોઝથી સુરક્ષિત છે.સરકારે જણાવ્યું હતું કે તે શ્રેણીબદ્ધ કન્ટિજન્સી પગલાં રીઝર્વમાં રાખશે, જેનાથી દેશમાં કોરોનાના ભાવિ નુકસાનકારક વેરિયન્ટને અટકાવવા ત્વરિત અને સપ્રમાણ પગલાં લઈ શકાય.
અધિકારીઓના જણાવ્યા મુજબ ભવિષ્યમાં જરૂર પડે તો સૌથી ઓછા આકરાં હોય તેવા પગલાંનો ઉપયોગ કરાશે, જેનાથી ટ્રાવેલને શક્ય તેટલી ઓછી અસર થાય. કન્ટીજન્સી પગલાંનો ઉપયોગ માત્ર ગંભીર સ્થિતિમાં જ કરાશે. હોટેલમાં ક્વોરેન્ટાઇન કેપેસિટી અંગેના બાકીના નિયંત્રણો માર્ચના અંત સુધીમાં દૂર કરાશે.
એરલાઇન્સ યુકેના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ એલ્ડરસ્લેડે જણાવ્યું હતું કે આ જાહેરાત વિશ્વને સ્પષ્ટ સંદેશ આપે છે કે યુકેનું ટ્રાવેલ ક્ષેત્ર પુનરાગમન કરી રહ્યું છે. બિનજરૂરી ફોર્મ અને ટેસ્ટિંગની જરૂરિયાતના બોજ વગર યુકેમાં ટ્રાવેલર પરત આવી રહ્યાં હોવાથી આપણે હવે રાબેતા મુજબના ટ્રાવેલનો અનુભવ કરી શકીશું.