(Photo by Chris J Ratcliffe/Getty Images)

વડાપ્રધાન બોરિસ જ્હોન્સને આજે મંગળવારે તા. 23ના રોજ લૉકડાઉનમાં વ્યાપક રાહતો આપી હતી. નવા નિયમો મુજબ તા. 4 જુલાઈથી લોકો એકબીજાના ઘરે જઇ શકશે અને ઓવરનાઇટ રહી શકશે. તા. 4 જુલાઇથી સિનેમાઘરો, સંગ્રહાલયો, આર્ટ ગેલેરીઝ સહિતના ઇન્ડોર સ્થળો, પબ, હેરડ્રેસર્સ, રેસ્ટૉરન્ટ્સ, કાફે, બાર્સ, પબ્સ, હોટલો, બેડ એન્ડ બ્રેકફાસ્ટ, હોલીડે હોમ્સ, કેમ્પસાઇટ્સ અને કેરેવાન પાર્ક, ધર્મસ્થાનો, પુસ્તકાલયો, સમુદાય કેન્દ્રો, કેન્ટીન, બિન્ગો હોલ, થિયેટરો અને કોન્સર્ટ હોલ, બાર્બર અને સલુન્સ, આઉટડોર રમતનાં મેદાનો, આઉટડોર જીમ, ફનફેર, થીમ પાર્ક અને એડવેન્ચર પાર્ક્સ અને પ્રવૃત્તિઓ, એમ્યુઝમેન્ટ આર્કેડ્સ, ઇન્ડોર લીઝર સેન્ટર્સ અને ઇન્ડોર ગેમિંગ સહિતની સુવિધાઓ, સોશ્યલ ક્લબ, મોડેલ વિલેજ, માછલીઘર, ઝૂ અને સફારી પાર્ક્સ તથા વન્યપ્રાણી કેન્દ્રો ખોલવા દેવાશે.

લગ્ન સમારંભો માટે પણ છૂટ આપવામાં આવી છે. પરંતુ નાઇટક્લબ્સ, બોલિંગ એલી, આઇસ સ્કેટિંગ રીન્ક્સ, સોફ્ટ પ્લે સહિત ઇન્ડોર રમતના ક્ષેત્ર, સ્પા, નેઇલ બાર્સ અને બ્યુટી સલુન્સ, મસાજ, ટેટૂ અને પીયર્સીંગ પાર્લર, ઇન્ડોર ફિટનેસ અને ડાન્સ સ્ટુડિયો, ઇન્ડોર જીમ અને રમતના સ્થળો અને સુવિધાઓ, સ્વીમિંગ પુલ્સ અને વોટર પાર્ક, એક્ઝિબિશન અને કોન્ફરન્સ સેન્ટર્સને હજૂ ખોલવાની મંજુરી નથી.

હજારો બિઝનેસીસને શરૂ કરવા માટે સામાજિક અંતરનો નિયમ ‘એક મીટર પ્લસ’ કરાયો છે. પણ ટ્રાન્સમિશનના જોખમો ‘વ્યાપક રીતે ઓછા રહે” તે સુનિશ્ચિત કરવા માટે ફેસ માસ્ક જેવી તકેદારી રાખવામાં આવશે. ત્રણ મહિનાથી વધુ સમયથી ‘શિલ્ડ’ કરી રહેલા લોકો 6 જુલાઈથી પોતાનું ઘર છોડી શકે છે.

કોવિડ-19નો રોગચાળો ફરીથી ઉથલો મારશે તો આ ફેરફારો ઉલટાવી શકાશે એવી બોરિસ જ્હોન્સને ચેતવણી આપી છે. યુકેમાં અત્યાર સુધીમાં કુલ 42,000થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. ડચકા ખાતા અર્થતંત્રને બચાવવા માટે પાસા ફેંકી રહેલા વડા પ્રધાને કૉમન્સને કહ્યું હતું કે તા. 4 જુલાઇનો દિવસ ઘણાં બધા બિઝનેસીસની શરૂઆત સાથેનો ‘સુપર સેટરડે’ હશે.

‘કોવિડ સુરક્ષિત’ માર્ગદર્શિકાનું પાલન કરે તે શરતે ચર્ચ સેવાઓ, જેમાં 30 જેટલા લોકો માટેના લગ્ન સમારોહનો સમાવેશ થાય છે તેનો ફરીથી પ્રારંભ થઈ શકે છે. બે ઘરના લોકો તેમના ઘરોમાં અથવા રેસ્ટોરન્ટમાં અથવા સંગ્રહાલયમાં સંખ્યાની મર્યાદા વગર એકઠા થઇ શકશે. પરંતુ તેમણે સામાજિક અંતરનું પાલન કરવું પડશે, એટલે કે દાદા-દાદીએ તેમના પૌત્રોને ગળે વળગાડી શકશે નહિ.
જ્હોન્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’આ છૂટછાટ માટે ચીફ મેડિકલ ઓફિસર ક્રિસ વિટ્ટી અને સાયન્સ ચિફ પેટ્રિક વાલેન્સે મંજૂરી આપી છે. બોરિસે ચેતવણી આપી હતી કે લોકો નવા નિયમોનો દુરૂપયોગ કરશે તો તરત જ તેમાં ફેરફારો કરાશે. ધીમે ધીમે પરંતુ ચોક્કસ આ ફેરફારો સામાન્ય જીવનની ભાવના પુનર્સ્થાપિત કરશે. ગઈકાલે સોમવારે મૃત્યુની સંખ્યામાં 15 નો વધારો થયો હતો પણ લોકડાઉન શરૂ થયાના દસ દિવસ પહેલા એટલે કે તા. 13 માર્ચ પછીનો સૌથી નીચો આંકડો હતો.’’
જ્હોન્સને જણાવ્યું હતું કે ‘’આ રોગ ગંભીર ‘નિશાન’ છોડી રહ્યો છે. ‘સાવધાની’ એ ‘વોચવર્ડ’ રહેશે. પરંતુ હવે લોકડાઉન ‘સલામત’ રીતે કરવું સરળ બન્યું હતું. અમે અમારા પાંચ ટેસ્ટ પૂરા કરવાનું ચાલુ રાખીએ છીએ. યુકેના ચારેય દેશના ચિફ મેડિકલ ઓફિસરે કોરોનાવાઈરસ ચેતવણીનું સ્તર ચારથી ઘટાડીને ત્રણ કરી દીધું છે.
તેમ છતાં લોકોએ હજી પણ શક્ય હોય ત્યાં બે-મીટરનું, નહીં તો એક મીટરથી વધુનું સલામત અંતર રાખવું.’ નિકોલા સ્ટર્જનને એડિનબરામાં દૈનિક બ્રીફિંગમાં કહ્યું હતું કે, બે મીટરનો નિયમ હજી સ્કોટલેન્ડમાં હળવો નહીં થાય. વડાપ્રધાને વેલ્સમાં લેબર એડમિનિસ્ટ્રેશન દ્વારા લાદવામાં આવેલી ઘરથી પાંચ માઇલની મર્યાદામાં મુસાફરી કરવાની ટીકા કરી હતી.