Getty Images)

અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ યથાવત્ રહેવા પામ્યો છે. આજે એક જ દિવસમાં નવા 314 કેસ નોંધાયા છે, જ્યારે 16 દર્દીઓના સારવાર દરમ્યાન જુદી જુદી હૉસ્પિટલોમાં મૃત્યુ થયા છે. આ સાથે ગ્રામ્ય વિસ્તાર સહિત કુલ દર્દીઓની સંખ્યા 19151ની થઈ ગઈ છે, તેમજ કુલ મૃત્યુઆંક 3548ના આંકડાને આંબી ગયો છે. બીજી તરફ સાજા થયેલા 401 લોકોને જુદી જુદી હૉસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 3395ની થઈ છે. પશ્ચિમ પટ્ટામાં 106 કેસ અને 10 મોત થયા છે.

દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાંથી કેસો નોંધાવાનું હજુ ચાલુ જ છે. જો કે, જમાલપુ, ખાડિયા, દરિયાપુરમાં જ્યાં રોજના 100 જેટલા કેસો નોંધાતા હતા ત્યાં હવે 12 અને 14 નોંધાવા માંડયા છે. જ્યારે પશ્ચિમ ઝોનના પાલડી- વાસણા, નવરંગપુરા- નારણપુરા, નવા વાડજ, સ્ટેડિયમ વગેરેમાં નહિવત્ કેસો નોંધાતા હતા. ત્યાં સરેરાશ 60 જેવા કેસ નોંધાવા માંડયા છે.

ગઈકાલે પૂર્વ ઝોનના અમરાઈવાડી, ભાઈપુરા, ગોમતીપુર, ઓઢવ, નિકોલ, રામોલ, વસ્ત્રાલ, વિરાટનગર વગેરેમાં ગઈકાલે સૌથી વધુ 63 દર્દીઓ નોંધાયા છે. જ્યારે થલતેજ, બોડકદેવ, સેેટેલાઇટ, વેજલપુર, ચાંદલોડિયા, ઘાટલોડિયા, મકતમપુરા વગેરે વિસ્તારોમાં 53 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જો કે હવે નવા ભળેલા બોપલ- ઘુમા સહિતના વિસ્તારોના દર્દીઓ પણ મ્યુનિ.ની હદમાં જ ગણાવાનું શરૂ થશે.

ઉપરાંત વરસાદ પડતા અને હવામાં ભેજ વધતા મચ્છરોનો ઉપદ્રવ જુદા જુદા વિસ્તારોમાં શરૂ થયો છે. બીજી તરફ હેલ્થ ખાતાના અધિકારીઓ અગાઉ દર સોમવારે મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા- ઉલ્ટી, કમળોના આંકડા જાહેર કરતા હતા તે કાયમી પ્રક્રિયા પણ રહસ્યમય રીતે બંધ કરી દેવાઈ છે.

મેલેરિયાના નામે ફોગીંગ મશીન ખરીદવા, તળાવો સાફ કરવાના કોન્ટ્રાક્ટ આપવા તે બાબત હેલ્થ ખાતાને યાદ આવે છે, પણ રોગચાળાના આંકડા જાહેર કરવાનું યાદ નથી આવતું. કોરોનાની આડશમાં મ્યુનિ. તંત્ર તેની રૂટિન કામગીરીની જવાબદારીમાંથી છટકી રહ્યું હોય તેમ જણાય છે. ધનવંતરી રથ પણ હવે કોરોનાની સાથે સાથે ડેન્ગ્યુ- મેલેરિયાની કામગીરી કરનાર હોવાનું જાણવા મળે છે.