(Photo by Christopher Furlong/Getty Images)

સુપરમાર્કેટ વેઈટ્રોઝના અહેવાલ મુજબ યુકેમાં સાપ્તાહિક ગ્રોસરીનું ઓનલાઇન શોપીંગ કરતા ગ્રાહકોની સંખ્યા કોરોનાવાઈરસના રોગચાળા અને લોકડાઉન પછી બમણી થઈ ગઈ છે અને હવે તે કદી “બદલી ન શકાય તેવા” સ્વરૂપે પહોંચી ગઇ છે. તે હવે આદત બની કાયમી ધોરણે ચાલશે તેમ મનાય છે.

દર ચાર ગ્રાહકોમાંથી એક હવે ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર ખોરાક અને અન્ય આવશ્યક ચીજોની ખરીદી ઑનલાઇન કરે છે, જ્યારે 75 ટકા લોકો તેમનો જરૂરી સામાન સુપરમાર્કેટની વેબસાઇટ્સ પરથી ખરીદે છે. તેમના ઓનલાઇન શોપીંગમાં ગયા વર્ષની સરખામણીએ 61%નો વધારો થયો છે. લગભગ 40% લોકો કહે છે કે તેઓ રોગચાળો ફાટી નીકળ્યા પછી વધુ પ્રમાણમાં ઑનલાઇન ખરીદી કરશે.

સુપરમાર્કેટ વેઈટ્રોઝે આ નિષ્કર્ષ ગયા વર્ષના પોતાના ઑનલાઇન વેચાણ અને રીટેઈલર્સની શ્રેણીમાં ખરીદી કરનારા 2,000 વયસ્કોના મતદાન પર આધારિત છે. કોવિડ-19ના ચેપના ડરથી વૃદ્ધ લોકો અને પરિવારો જાહેર સ્થળોએ જવાનું ટાળતા હોવાથી ઑનલાઇન વેચાણમાં વધારો થયો છે. કંપની તેના ઓનલાઇન વિભાગમાં £100 મિલિયનનું રોકાણ કરશે જેથી ટૂંક સમયમાં તેના કુલ વ્યવસાયમાં 20% હિસ્સો થશે, રોગચાળા પહેલા તે 5% હતો.