અમેરિકામાં કોરોનાની મહામારી વચ્ચે નવેમ્બરમાં યોજાઈ રહેલી પ્રમુખપદની ચૂંટણી માટે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સનું જોરદાર પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં બંને પક્ષો ભારતીય અમેરિકનોને આકર્ષવા તનતોડ મહેનત કરી રહ્યા છે.

અમેરિકામાં 20 લાખથી વધુ ભારતીય અમેરિકન મતદારોને આકર્ષવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ શરૂ કર્યો છે. ટ્રમ્પે શનિવારે જાહેર કરેલા વીડિયોમાં ‘હાઉડી મોદી’, ‘નમસ્તે ટ્રમ્પ’ના ફૂટેજનો ઉપયોગ કરાયો હતો.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ચૂંટણી અભિયાન સંભાળતી ટીમે એક વીડિયો સ્વરૂપે શનીવારે તેમના પ્રચાર અભિયાનની પહેલી જાહેરાત કરી હતી. તેમાં હ્યુસ્ટનમાં આયોજિત ‘હાઉડી મોદી’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમદાવાદમાં આયોજિત ‘નમસ્તે ટ્રમ્પ’માં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણોનો ઉપયોગ કરાયો હતો.

આ સાથે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ‘4 મોર યર્સ’ અભિયાનનો શૂભારંભ કર્યો હતો. ટ્રમ્પ વિક્ટરી ફાઈનાન્સ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કિમ્બર્લી ગુઈલફોઈલે એક ટ્વીટમાં વીડિયો જાહેરાત જાહેર કરતાં કહ્યું, અમેરિકાના ભારત સાથે ખૂબ જ સારા સંબંધ છે અને અમારા અભિયાનને ભારતીય-અમેરિકનોનું વ્યાપક સમર્થન છે.

રિપબ્લિકન પક્ષના સોમવારે યોજાનારા કન્વેન્શન પૂર્વે ભારતીય અમેરિકન મતદારોને આકર્ષવા આ વીડિયો જાહેર કરાયો છે. સોમવારના કન્વેન્શમાં સત્તાવાર રીતે ટ્રમ્પને બીજી વખત પ્રમુખપદના ઉમેદવાર અને માઈક પેન્સને ઉપ-પ્રમુખપદના ઉમેદવાર તરીકે રિપબ્લિકન દ્વારા જાહેર કરવામાં આવશે.

પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરી રહેલા પ્રમુખ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ભારતીય અમેરિકન સમાજ સાથે ખૂબ જ સારી રીતે સંકળાયેલા છે. તેમણે તેને રીટ્વીટ કર્યું હતું. આ જાહેરાત ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગઈ.

‘ફોર મોર યર્સ’ નામના મથાળાવાળો 107 સેકન્ડનો આ વીડિયો મોદી અને ટ્રમ્પના ફૂટેજ સાથે શરૂ થાય છે, જેમાં બંને ગયા વર્ષે વડાપ્રધાન મોદીના અમેરિકન પ્રવાસ દરમિયાન હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં હાથમાં હાથ નાંખીને ચાલી રહ્યા હતા.

આ વીડિયોમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમાં મોદીને સ્ટેજ પરથી બોલતા દર્શાવાય છે કે, ‘મી. પ્રેસિડેન્ટ ટ્રમ્પ, તમે 2017માં તમારા પરિવાર સાથે મારી ઓળખ કરાવી હતી અને આજે, મને મારા પરિવાર સાથે તમારી ઓળખ કરાવવાનું સન્માન મળ્યું છે.’

ત્યાર પછી વીડિયોમાં સીધો જ અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ દર્શાવાય છે, જેમાં મોદી અને ટ્રમ્પ એકબીજાને ગળે મળે છે અને ત્યાર પછી ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ રેલી વખતે લોકોનું અભિવાદન સ્વીકારે છે તેવા ફૂટેજ દર્શાવવામાં આવ્યા છે.

વીડિયોની એક ક્લીપમાં ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે, ‘અમેરિકા ભારતને પ્રેમ કરે છે. અમેરિકા ભારતનો આદર કરે છે અને અમેરિકા હંમેશા ભારતીયોનો વિશ્વાસુ અને વફાદાર મિત્ર રહેશે.’ તે સમયે દુનિયાના બે સૌથી મોટા લોકતાંત્રિક દેશના નેતાઓએ 50,000થી વધુની સંખ્યામાં ભારતીય-અમેરિકનોને સંબોધન કર્યું હતું. અમેરિકામાં પોતાના હજારો સમર્થકો વચ્ચે, મોદીએ તે ભાષણમાં ટ્રમ્પની ખૂબ પ્રશંસા કરી હતી.

‘ટ્રમ્પ વિક્ટરી ઈન્ડિયન અમેરિકન ફાઈનાન્સ સમિતિ’ના સહ-અધ્યક્ષ અલ મેસને વીડિયોની રૂપરેખા તૈયાર કરી છે. મોદી ભારતીય-અમેરિકનો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. તેમની આ સ્ટાર અપીલે દરેક વખતે વિક્રમી ભીડ આકર્ષિક કરી છે. 2015માં મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં અને પછી બે વર્ષ પછી સિલિકોન વેલીમાં પણ તેમનું સંબોધન ઐતિહાસિક રહ્યું હતું, જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.