લંડનમાં વડા પ્રધાન બોરિસ જોન્સનના વધુ એક સહાયકે પાર્ટી વિવાદના પગલે રાજીનામુ આપ્યું છે. આથી આ વિવાદમાં પોતાની નબળી સ્થિતિને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહેલા જોન્સનને વધુ એક ફટકો પડ્યો છે. દસ ડાઉનિંગ સ્ટ્રીટ પોલિસી યુનિટના બીજા સલાહકાર એલેના નારઝોન્સ્કી રાજીનામુ આપનારી બીજી સલાહકાર બની હતી તેવું કન્ઝર્વેટિવ પાર્ટીની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું. આમ જોન્સનના સહાયકોના રાજીનામાનો દોર જારી છે. આ વિવાદમાં પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચતા અડધો અડધ પક્ષ બોરિસ જોન્સનનો વિરોધી થઈ રહ્યો હોવાનું કહેવાય છે. તેની નેતાગીરી અંગે સવાલ ઉઠી રહ્યા છે. જોન્સનની લાંબા સમયની પોલિસી ચીફ મુનિરા મિર્ઝા, ચીફ ઓફ સ્ટાફ ડેન રોસનફિલ્ડ, પ્રિન્સિપાલ પ્રાઇવેટ સેક્રેટરી માર્ટિન રેનોલ્ડ્સ, અને કમ્યુનિકેશન્સ જેક ડોયલે ગુરુવાર સુધીમાં રાજીનામુ આપી ચૂક્યા છે. સમગ્ર યુકે કોવિડ-૧૯ના લોકડાઉનનો સામનો કરી રહ્યુ હતું ત્યારે દસ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એક નહી અનેક પાર્ટીઓ યોજાઈ હોવાનું તપાસમાં જણાવાયું હતું. આમ લોકડાઉનના નિયમોનો ખુદ વડા પ્રધાન દ્વારા જ સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો.
ડાઉનિંગ સ્ટ્રીટની ભૂતપૂર્વ સહાયક નિક્કી ડા કોસ્ટાએ જણાવ્યું હતું કે નાર્ઝોન્સ્કીને હું એકદમ સિદ્ધાંતવાદી મહિલા તરીકે હું જાણું છું. બિઝનેસ અને એનર્જી સેક્રેટરી ગ્રેગ હેન્ડ્સે શુક્રવારે જણાવ્યું હતું કે લોકડાઉન પાર્ટીઓના વિવાદના પગલે વડાપ્રધાન બોરિસ જોન્સન તેમની ડાઉનિંગ સ્ટ્રીટની ટીમમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે શું ચાલી રહ્યું છે તેના જવાબમાં હેન્સે જણાવ્યું હતું કે રાજીનામા અપાયા છે અને રાજીનામા સ્વીકારાયા છે.
હાઉસ ઓફ કોમન્સની ટ્રાન્સપોર્ટ કમિટીના વરિષ્ઠ ટોરી મેમ્બર હ્યુ મેરિમેને જણાવ્યું હતું કે તેઓ વર્તમાન પરિસ્થિતિથી સ્તબ્ધ છે અને તેમને તેનો ઘણો ખેદ છે. તેમણે જોન્સનને જણાવ્યું છે કે પરિસ્થિતિ સુધારો નહીં તો હોદ્દો છોડો. ટોચના સહાયકોના રાજીનામાના પગલે પક્ષની અંદર હવે જોન્સનની નેતાગીરી અંગેના સવાલો ઉઠવા લાગ્યા છે. ડોઇલે સ્ટાફને જણાવ્યું હતું કે તાજેતરનો સમય મારા પારિવારિક જીવન માટે ખૂબ ભયજનક નીવડયા છે, પણ હકીકતમાં તો હું બે વર્ષ પછી જ મારો હોદ્દો છોડવા માંગતો હતો. પ્રવક્તાના જણાવ્યા મુજબ રોસનફિલ્ડે ગુરુવારે જ પીએમને રાજીનામુ ઓફર કર્યુ હતુ, પરંતુ બીજી કોઈ નિમણૂક થાય નહી ત્યાં સુધી તેમને હોદ્દા પર રહેવા જણાવાયું છે. પીએમના મુખ્ય સચિવ રેનોલ્ડને પણ આમ જ કહેવાયું છે. પણ તે ફોરિન ઓફિસમાં તેમની ભૂમિકા પર પરત ફરશે. મિરઝાએ વડાપ્રધાનના તે ખોટા દાવાના પગલે રાજીનામુ આપ્યુ જેમા તેણે જણાવ્યું હતું કે વિપક્ષ લેબર પાર્ટીના નેતા સર કેઇર સ્ટારમેર પબ્લિક પ્રોસીક્યુશનના ડિરેક્ટર હતા ત્યારે પીડોફિલને સજા આપવામાં નિષ્ફળ ગયા હતા.