ઓસ્ટ્રેલિયા સામે એશિઝમાં ઈંગ્લેન્ડની શરમજનક હાર પછી ટીમમાં રાજીનામાં પડી રહ્યા છે. શુક્રવારે ઈંગ્લેન્ડની ટીમના કોચ ક્રિસ સિલ્વરવૂડે રાજીનામુ આપી દીધું છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ટીમની એશિઝ ટેસ્ટ સીરિઝમાં 0-4થી હાર થઇ હતી. અગાઉ ઈંગ્લેન્ડના એશ્લી જાઈલ્સે ડાયરેક્ટર ઓફ ક્રિકેટના પદેથી રાજીનામુ આપ્યું હતું. સિલ્વરવૂડે રાજીનામુ આપ્યા પછી જણાવ્યું હતું કે, વિતેલા બે વર્ષ ખૂબજ પડકારરૂપ રહ્યા હતા. ટીમ સાથે મેં મજા માણી હતી. હું ઘણી સારી યાદોને સાથે લઈને જઈ રહ્યો છું અને હવે પરિવાર સાથે બાકીનો સમય વિતાવીશ તેમજ જીવનના બીજા અધ્યાયનો આરંભ કરીશ. હવે આવતામહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ વચગાળાના કોચની નિમણૂક કરવામાં આવશે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટોમ હેરિસને જણાવ્યું હતું કે, ક્રિસે પોતાની કામગીરી સારી નિભાવી છે અને ખેલાડીઓ તેમજ સ્ટાફે તેમની સાથે કામ કરવાનો આનંદ ઉઠાવ્યો હતો. ક્રિસના માર્ગદર્શનમાં મર્યાદિત ઓવરમાં ઈંગ્લેન્ડની ટીમ વૈશ્વિક રેન્કિંગમાં પ્રથમ અને બીજા ક્રમે પહોંચી હતી. ટેસ્ટ ટીમે સાઉથ આફ્રિકા અને શ્રીલંકામાં પણ જીત મેળવી હતી.