અફઘાનિસ્તાન કટોકટીની ચર્ચા કરવા માટે ઇમરજન્સી કેબિનેટ ઓફિસ બ્રીફિંગ રૂમ (COBRA)ની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા વડા પ્રધાન બોરીસ જૉન્સને જણાવ્યું હતું કે ‘’અફઘાનિસ્તાનમાં સમાધાન શોધવા માટે યુકેના રાજદ્વારી પ્રયાસો ચાલુ છે અને જો જરૂર પડશે તો યુકે તાલિબાન સાથે કામ કરશે. અફઘાનિસ્તાન માટે અમારી પ્રતિબદ્ધતા ટકી રહેશે. કાબુલ એરપોર્ટ પરથી બ્રિટિશ નાગરિકો અને સમર્થકોને બહાર કાઢવામાં અમે ભયંકર પડકારોનો સામનો કરી રહ્યા છીએ પરંતુ પરિસ્થિતિ થોડી હળવી થઈ રહી છે. અમે એરપોર્ટ પર સ્થિરતા જોઈ રહ્યા છીએ.’’

જૉન્સને જણાવ્યું હતું કે ‘’અમે લગભગ 1,000 લોકોને અને તા. 20ના રોજ બીજા 1,000 લોકોને બહાર કાઢવામાં સક્ષમ થયા હતા. તેમાંથી ઘણા લોકો અફઘાનિસ્તાન રીસેટલમેન્ટ એન્ડ આસીસ્ટન્ટ પ્રોગ્રામ (એઆરએપી) હેઠળ પાછા આવી રહ્યા છે. આવા લોકોમાં દુભાષિયાઓ અને અન્ય લોકો છે જેમણે આપણને મદદ કરી હતી. લોજિસ્ટિકના પડકારો પ્રચંડ છે અને આપણા લોકો ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે.”

ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબનો બચાવ કરતા જૉન્સને કહ્યું હતું કે ‘’મને કેબિનેટ મંત્રી શ્રી રાબ પર સંપૂર્ણ વિશ્વાસ છે. સમગ્ર સરકાર વર્ચ્યુઅલ રીતે ચોવીસ કલાક કામ કરી રહી છે.’’

સરકારે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં સ્થાનિક કાઉન્સિલો માટે 5 મિલિયન પાઉન્ડની જાહેરાત કરી છે. જેની મદદથી ARAP કાર્યક્રમ હેઠળ આવેલા અફઘાનને ઘર આપવામાં આવશે.